દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ ગત રાત્રે રાજ્યમાં ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની હતી. દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે ઘણી જગ્યાએ આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઇ હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, દ્વારકા સહિત અનેક જગ્યાએ ભીષણ આગ લાગી હોવાની ઘટનાઓ બની હતી. અમદાવાદમાં સરખેજ મકરબામાં આગનો બનાવ બન્યો હતો. અહીં કોર્પોરેશનનાં પ્લોટમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડના ૭ ગજરાજ વાહન સાથે આગ બુઝાવી હતી.
અમદાવાદમાં નિકોલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. પંચમ મોલ પાસેના પાર્કિંગમાં આગ લાગી હતી. ૫ રિક્ષામાં આગનાં કારણે નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોએ અન્ય નવ જેટલી રિક્ષા સલામત સ્થળે ખસેડી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં આગ લાગી હતી. મંદિર ખાતે રાત્રીના સમયે દિવાળી નિમિતે આતશબાજી કરાઈ હતી. વ્હાઇટ હાઉસ બિલ્ડીંગ પાછળ ઊભા કરાયેલા તંબુમાં આગ લાગી હતી. આતશબાજી કરવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ૫ જેટલા તંબુમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ખંભાળિયામાં જૂની સરકારી હોસ્પિટલ ગ્રાઉન્ડમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જૂની સરકારી હોસ્પિટલના રેકોર્ડરૂમ સુધી આગ પ્રસરી હતી. રેકોર્ડ રૂમમાં રહેલ ફાઈલો સહિતનો સમાન બળીને ખાખ થઇ ગઇ હતી. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ધોરાજી જેતપુર રોડ ઉપર ખુલ્લા વાડામા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. ધોરાજી જેતપુર રોડ ઉપર આવેલ શ્રી નાથજી સોસાયટીમા પ્લાસ્ટિકના પાઇપના ગોડાઉનમા આગ લાગી હતી. ફટાકડાના તળખાને કારણે પાઇપના ગોડાઉનમા ભીષણ આગ લાગી હતી. રાજકોટમાં કાલાવડ રોડ પર આગની મોટી દુર્ઘટના ટળી હતી. કાલાવડ રોડ પર આવેલા રાધિકા જ્વેલર્સમાં આગ લાગી હતી. રાધિકા જ્વેલર્સના મેઈન ગેટમાં આગ લાગી હતી. શોટ સર્કિટ થતાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ શો રૂમમાં પ્રસરે તે પહેલાં કાબૂ મેળવ્યો હતો. દ્વારકાના ખંભાળિયામાં જુના સિનેમા રોડ નજીક એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી હતી. શ્યામ એપાર્ટમેન્ટના પાંચમાં માળે વિકરાળ આગ લાગી હતી.
આગ લાગતા એપાર્ટમેન્ટમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગને જાણ થતાં ૨ ગાડી સ્થળ પર પહોંચી હતી અને ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આગની ઘટના બની હતી. ઝરીના બંધ કારખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર પહોંચે તે પહેલા લોકો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. સુરતના કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં ફટાકડાના કારણે શેરડીના ખેતરમાં ભયાનક આગની ઘટના ઘટી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરાયા હતા. ફાયરની બે ગાડીઓ સહિત મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.