જાણીતા કોરિયોગ્રાફર, એક્ટર અને ડાયરેક્ટર પ્રભુદેવા હાલ સાતમા આસમાને છે. પ્રભુદેવા ફરી એકવાર પિતા બની ગયા છે. પ્રભુદેવા અને તેમની બીજી પત્ની હિમાની પહેલા સંતાનના પેરેન્ટ્સ બન્યા છે. પ્રભુદેવા અને હિમાનીએ ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. હવે લગ્નના ત્રણ વર્ષ બાદ તેમના ઘરે પારણું બંધાયું છે. પ્રભુદેવાએ ફરીથી પિતા બન્યા હોવાની વાતની પુષ્ટિ પણ કરી છે. અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં પ્રભુદેવાએ કહ્યું, હા, હું પિતા બન્યો છું એ વાત સાચી છે. હું ૫૦ની ઉંમરે ફરી એકવાર પિતા બન્યો છું. હું ખૂબ ખૂબ ખુશ છું અને પૂર્ણતાનો અનુભવ કરી રહ્યો છું. પ્રભુદેવા અને હિમાની દીકરીના પેરેન્ટ્સ બન્યા છે.
ત્યારે સૌથી ખુશીની વાત એ છે કે, મોટી ઉંમરે પિતા બનનારા પ્રભુદેવા પહેલીવાર દીકરીના પિતા બન્યા છે. પહેલા લગ્ન થકી પ્રભુદેવાને ત્રણ દીકરાઓ છે. પ્રભુદેવાની ખુશી હાલ સાતમા આસમાને છે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થયું છે ત્યારે પ્રભુદેવા વધુ ને વધુ સમય તેમની દીકરી અને પત્ની સાથે ઘરે વિતાવવા માગે છે. તેમણે કહ્યું, મેં અત્યારથી જ મારું કામ ઓછું કરી નાખ્યું છે. મને લાગ્યું કે હું અતિશય કામ કરી રહ્યો છે અને અહીંથી ત્યાં ભાગી રહ્યો છું. પરંતુ હવે વધારે નહીં. હું મારા પરિવાર સાથે સમય વિતાવવા માગુ છું. પ્રભુદેવાએ પોતાનો સમય ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે ફાળવી નાખ્યો છે.
આ બંને શહેરોમાં ડાયરેક્ટર અને એક્ટર તરીકે તેમનું કરિયર પૂરપાટ ઝડપે દોડી રહ્યું છે. પ્રભુદેવાનું કહેવું છે કે, કોરિયોગ્રાફર તરીકે હવે કંઈક મોટું આવે તો જ તેઓ કામ કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે, પ્રભુદેવાએ અગાઉ રામાલતા સાથે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની થકી પ્રભુદેવાને ત્રણ દીકરાઓ છે- વિશાલ, ઋષિ રાઘવેન્દ્ર દેવા અને આદિત દેવા. કમનસીબે તેમના દીકરા વિશાલનું અવસાન થયું હતું. લગ્નના ૧૬ વર્ષ પછી પ્રભુદેવા અને રામાલતાએ ડિવોર્સ લીધા હતા.