ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટી૨૦આઈસીરિઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. આ સાથે જ રોહિતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિત શર્મા ૧૫૦ ટી૨૦આઈમેચ રમનાર પહેલો ક્રિકેટર બની ગયો છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્ષ ૨૦૦૭માં ટી૨૦ ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જે ભારતીય ટીમે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૦૭ જીત્યો હતો, રોહિત શર્મા તે ભારતીય ટીમનો ભાગ હતો. રોહિત શર્માએ ૧૪૯ ટી૨૦આઈમેચોમાં ૧૩૯.૧૫ના સ્ટ્રાઈક રેટ અને ૩૦.૫૮ની એવરેજથી ૩૮૫૩ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં રોહિત શર્માના નામે ૪ સદી છે. આ સિવાય ૨૯ ફિફ્ટી તેના નામે છે.
ગઈકાલે ઈન્દોરમાં અફઘાનિસ્તાન સામેની બીજી ટી૨૦આઈમેચમાં રોહિત શર્મા ફરી એકવાર શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. તે પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. ફઝલહક ફારુકીએ તેને પેવેલિયન મોકલ્યો. આ સીરિઝની પ્રથમ મેચમાં પણ રોહિત ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બેક ટુ બેક શૂન્ય પર આઉટ થવાને કારણે તે ટી૨૦આઈક્રિકેટમાં શરમજનક રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. આ સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ છે.
રોહિત શર્મા અત્યાર સુધી ટી૨૦આઈમાં ૧૨ વખત શૂન્ય પર આઉટ થયો છે. તે હવે ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ પ્રથમ સ્થાને છે. પોલ ૧૩ વખત શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં રોહિત ટી૨૦આઈક્રિકેટમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થવાના અનિચ્છનીય રેકોર્ડની ખૂબ નજીક આવી ગયો છે.