બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની સર્જરીને લઈને મતમતાંર પ્રવર્તી રહ્યા છે. મંગળવારે અહેવાલ આવ્યા હતા કે, શાહરૂખને લોસ એન્જેલસમાં શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી અને તેની નાનકડી સર્જરી કરવામાં આવી હતી. જે બાદ બુધવારે અહેવાલ આવ્યા કે શાહરૂખની સર્જરી નહોતી થઈ. શાહરૂખ ખાન યુએસ કેમ ગયો હતો તેનો પણ ખુલાસો થયો છે. બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ચાર વર્ષ બાદ ૨૦૨૩માં ‘પઠાણ’ દ્વારા ફિલ્મી પડદે વાપસી કરી છે. શાહરૂખ ખાનના ફેન્સ લાંબા સમય પછી તેને ફિલ્મી પડદે જાેઈને ખુશ થઈ ગયા હતા. શાહરૂખ ખાન હાલ વિવિધ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.
આ દરમિયાન મંગળવારે અહેવાલ આવ્યા હતા કે શાહરૂખ ખાનને યુએસમાં શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે. આ સમાચાર વહેતા થતાં જ મનોરંજન જગતમાં અને એક્ટરના ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જાેકે, આજે એટલે બુધવારે સવારે શાહરૂખ ખાન મુંબઈ પાછો આવ્યો હતો અને સ્વસ્થ લાગતો હતો. શાહરૂખ સાથે તેની પત્ની ગૌરી અને દીકરો અબરામ પણ હતા.
શાહરૂખ ખાનને એરપોર્ટ પર જાેતાં જ મીડિયાના ફોટોગ્રાફર્સ તેને ઘેરી વળ્યા હતા. તેમણે શાહરૂખને તેના સ્વાસ્થ્ય વિશે સવાલ કર્યા હતા. જાેકે, એક્ટરે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. હવે શાહરૂખ સાથે જાેડાયેલા સૂત્રોનું માનીએ તો, એક્ટરને કોઈ ઈજા નથી થઈ અને તેણે સર્જરી પણ નથી કરાવી. સૂત્રના કહેવા પ્રમાણે, “શાહરૂખ ખાન યુએસમાં શૂટિંગ માટે નહીં પરંતુ પરિવાર સાથે સમય ગાળવા માટે ગયો હતો. તે એકદમ તંદુરસ્ત છે. તેણે સર્જરી કરાવી હોવાના અહેવાલો ખોટા છે.
તે આરામ નથી કરી રહ્યો. વિવિધ પ્રોજેક્ટ્સનું શૂટિંગ ચાલુ જ છે.”
બીજા એક સૂત્રએ જણાવ્યું કે, “શાહરૂખ ખાન ‘જવાન’ના સ્પેશિયલ એન્ડ ક્રેડિટ ગીતના શૂટિંગ માટે મુંબઈ પાછો આવ્યો છે. આગામી દિવસોમાં ગીતનું શૂટિંગ થવાનું છે. શાહરૂખે કોઈ બ્રેક લીધી નથી.” ઉલ્લેખનીય છે કે, અગાઉ અહેવાલ આવ્યા હતા કે, શાહરૂખ ખાનને લોસ એન્જેલસમાં શૂટિંગ વખતે ઈજા થઈ છે અને તેના નાકમાંથી લોહી વહી રહ્યું હતું. જેથી તેની નાનકડી સર્જરી કરવામાં આવી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, શાહરૂખ ખાને એટલીની ફિલ્મ ‘જવાન’નું શૂટિંગ પૂરું કરી દીધું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનતારા પણ જાેવા મળશે. ફિલ્મ ૭ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
ફિલ્મનું ટ્રેલર ‘મિશન ઈમ્પોસિબલઃ ડેડ રિકોનિંગ પાર્ટ વન’ સાથે થિયેટરમાં દેખાડવામાં આવશે તેવા અહેવાલ છે. આ સિવાય શાહરૂખ રાજકુમાર હીરાનીની કોમેડી-ડ્રામા ફિલ્મ ‘ડંકી’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તાપસી પન્નુ છે અને ડિસેમ્બર ૨૦૨૩માં ફિલ્મ રિલીઝ થઈ શકે છે.