રાજસ્થાનના સીકર જિલ્લામાં મધમાખીઓએ ભીડ પર હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે લોકો એકઠા થયા હતા. મધમાખીઓના આ હુમલામાં ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીકર જિલ્લામાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું. જેના અંતિમ સંસ્કાર માટે બુધવારે બધા એકઠા થયા હતા. આ દરમિયાન મધમાખીઓના ટોળાએ ભીડ પર હુમલો કર્યો હતો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આમાં ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના રિંગસ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેરૌલી ગામની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત મંગળવારે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું જેમની ઓળખ સાંવરમલ નામના વ્યક્તિ તરીકે થઈ હતી. તેમના અંતિમ સંસ્કારમાં સંબંધીઓ અને પરિચિતો સામેલ થયા હતા. જ્યારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહને સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યો ત્યારે મધમાખીઓના ટોળાએ ભીડ પર હુમલો કર્યો હતો. જેમાં ૮૦ લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ બે લોકોને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
મહેરૌલીના કમ્યુનિટી હેલ્થ સેન્ટરના ઈન્ચાર્જ ડો. રાઘવ શર્માએ જણાવ્યું કે, મધમાખીના હુમલામાં કેન્દ્રમાં સારવાર માટે આવેલા ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. અમે તેમને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ તેઓ તેમના ઘરે પરત ફર્યા છે.