Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન કરશે. જ્યાં 8 દેશો વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. પાકિસ્તાને છેલ્લે 1996માં ICC ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. તે સમયે ભારત અને શ્રીલંકાની સાથે પાકિસ્તાને ODI વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. પરંતુ આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં પીસીબી અધ્યક્ષ મોહસિન નકવીએ આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર યોજાશે કે નહીં તે અંગે મોટું નિવેદન આપ્યું છે.
પીસીબી ચીફે પોતાની યોજના જણાવી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું કે તેઓ આવતા વર્ષે ટૂર્નામેન્ટ દેશની બહાર આયોજિત કરવાનું વિચારી રહ્યા નથી. પાકિસ્તાન સુપર લીગની ફાઈનલ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા, નકવીએ પુષ્ટિ કરી કે તેણે ગયા અઠવાડિયે દુબઈમાં આઈસીસીની બેઠક દરમિયાન બીસીસીઆઈ સચિવ જય શાહ સાથે વાત કરી હતી. નકવીએ કહ્યું કે હા અમે થોડા સમય માટે વાત કરી હતી પરંતુ તેની વિગતો આપવી યોગ્ય નથી.
જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો શું થશે?
નકવીને પૂછવામાં આવ્યું કે જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો શું ટૂર્નામેન્ટ અન્ય કોઈ દેશમાં આયોજિત કરવામાં આવશે, તો તેમણે કહ્યું કે અત્યારે હું કોઈ અન્ય દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું વિચારી રહ્યો નથી. અમને વિશ્વાસ છે કે અમે શિડ્યુલ મુજબ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીશું. બીજી તરફ, આઈસીસી બોર્ડના એક સભ્યએ તાજેતરમાં પીટીઆઈને કહ્યું હતું કે તેઓ ભારતને પાકિસ્તાનનો પ્રવાસ ન કરવાની સરકારી નીતિનું ઉલ્લંઘન કરવા માટે કહેશે નહીં.
પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી દીધી છે..
નકવીએ એમ પણ કહ્યું હતું કે સ્પર્ધા નજીક આવતાં જ પીસીબી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. આ સિવાય તેમણે કહ્યું કે કરાચી, લાહોર અને રાવલપિંડીના સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીની મોટાભાગની મેચો આ સ્થળો પર આયોજિત કરવામાં આવશે. નવેમ્બર 2008માં મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. ભારતીય ટીમ છેલ્લે જૂન-જુલાઈ 2008માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન આવી હતી. ભારતીય ટીમે ગયા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી દીધી હતી. ત્યારે પાકિસ્તાને આ ટુર્નામેન્ટની માત્ર ચાર મેચોની યજમાની કરી હતી અને બાકીની મેચો શ્રીલંકામાં રમાઈ હતી.