અમેરિકાની ઈમિગ્રેશન કોર્ટમાં કેસનો એટલો બધો ભરાવો થયો છે કે તેના નિકાલમાં વર્ષો નીકળી જાય છે. તેના કારણે શરણાર્થી હોવાનું બહાનું કાઢીને અમેરિકા પહોંચેલા ઘણા લોકોને ફાયદો થઈ ગયો છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો શરણાર્થી તરીકે અમેરિકા આવે છે. કારણ કે તેમને ખબર છે કે અમેરિકન સિસ્ટમ એટલી ધીમી છે કે તેમના કેસનો નિકાલ થવામાં વર્ષો નીકળી જશે. આ દરમિયાન તેમને અમેરિકામાં લીગલી કામ કરવાની છુટ મળે છે અને ડિપોર્ટ થવાનો પણ ખતરો રહેતો નથી. આ રીતે અમેરિકામાં શરણની માંગણી કરનારામાં ભારતીયો પણ સામેલ છે. અમેરિકામાં એટલા બધા શરણાર્થીઓ આવેલા છે કે ૬૫૦ ઇમિગ્રેશન જજ માટે તેમના કેસનો નિકાલ કરવો મુશ્કેલ છે. હાલમાં તેમની પાસે ૨૪ લાખ જેટલા કેસ પેન્ડિંગ છે જેનો નિકાલ આવ્યો નથી. મહત્ત્વની વાત એ છે કે અમેરિકન સિસ્ટમની ખામી જાેઈ ગયેલા માઈગ્રન્ટ્સ હજુ પણ અમેરિકા આવી રહ્યા છે. ગયા વર્ષે ઈમિગ્રેશન જજાેએ ૩.૧૩ લાખ કેસનો નિકાલ કર્યો હતો, પરંતુ તેની સામે સાત લાખ નવા કેસ આવી ગયા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની એક્ઝિક્યુટિવ ઓફિસના ડિરેક્ટર ડેવિડ નીલે જણાવ્યું કે અમારી સામે અત્યંત વિરાટ કામ છે. અમે જે કામ કરી શકીએ તેના કરતા ડબલ કામ દર વર્ષે આવતું જાય છે.
અમેરિકાની ઈમિગ્રેશન અદાલતો પર કામનું જે ભારણ છે તેમાં શરણાર્થીઓના કેસ લગભગ ૪૦ ટકા જેટલા છે. તેમાં પહેલી વખત કોર્ટમાં સુનાવણી થતા જ ચાર વર્ષ લાગી જાય છે. કેટલીક વખત કેસ મુલતવી રહે તો વર્ષો સુધી સુનાવણી થતી નથી. તેના કારણે શરણાર્થી તરીકે આવેલા લોકો અમેરિકામાં કાયદેસર રીતે કામ કરી શકે છે, ડોલર બચાવે છે અને પોતાના દેશમાં પરિવારજનોને પરત પણ મોકલે છે. અમેરિકન અધિકારીઓ સમજી ગયા છે કે કોર્ટમાં કેસનો નિકાલ આવવામાં ઘણા વર્ષો લાગી જતા હોવાથી હજારો લોકો તેનો ફાયદો ઉઠાવે છે અને અમેરિકામાં લીગલી કામ કરવા લાગે છે. તેમાં પણ લેટિન અમેરિકાનો માર્ગ અપનાવીને અમેરિકામાં આવતા લોકો એક મોટી સમસ્યા છે. આ લોકો હ્યુમન ટ્રાફિકર્સને ૧૫,૦૦૦ ડોલર સુધી ચુકવીને બોર્ડર પાર કરે છે.
તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે એક વખત તેઓ ઈમિગ્રેશન કોર્ટ સિસ્ટમમાં આવીને શરણની માંગણી કરે અને જરૂરી પેપરવર્ક કરી નાખે ત્યાર પછી તેઓ સત્તાવાર રીતે અમેરિકામાં કામ કરી શકે છે. કેટલાક અધિકારીઓની ફરિયાદ છે કે અમેરિકન કોર્ટ સિસ્ટમ આવા ગેરકાયદે લોકોને અમેરિકામાં કાયદેસર રીતે રહેવાનો રસ્તો આપે છે. એક સમયે અમેરિકામાં આવી રીતે ઘુસતા મોટા ભાગના લોકો મેક્સિકોથી આવતા હતા. પરંતુ હવે બીજા દેશોમાંથી પણ લોકો મેક્સિકોનો રસ્તો પસંદ કરીને અમેરિકામાં ઘુસણખોરી કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકન પ્રમુખ હતા ત્યારે તેમણે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ આકરા પગલા લીધા હતા, પરંતુ જાે બાઈડને પ્રેસિડન્ટ બન્યા પછી ઢીલી નીતિ અપનાવી હોવાની ફરિયાદ થાય છે.