ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ છે. ચોથા દિવસે ભારતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે ૩૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ પછી દિવસની રમતના અંત સુધી વેસ્ટ ઇન્ડીઝે ૨ વિકેટ ગુમાવી ૭૬ રન બનાવી લીધા હતા. હવે પાંચમા દિવસે ભારતે જીતવા માટે ૮ વિકેટ લેવી પડશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે ૨૮૯ રન બનાવવાના છે.
ચોથા દિવસની રમતના અંતે તેજનારાયણ ચંદ્રપોલ ૨૪ અને જર્મૈન બ્લેકવુડ ૨૦ રન પર અણનમ પરત ફર્યા હતા. બંને વચ્ચે ૩૨ રનની ભાગીદારી થઈ હતી. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ ટીમના કેપ્ટન ક્રેગ બ્રેથવેટ ૨૮ અને કર્ક મેકેન્ઝી ૦૦ રને પેવેલિયન પરત ફર્યા હતા. બંનેને રવિચંદ્રન અશ્વિને આઉટ કર્યા હતા.
ભારતીય ટીમે આ પહેલા ૨ વિકેટે ૧૭૯ રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી. આ રીતે વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા માટે ૩૬૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ઇશાન કિશને ફિફ્ટી ફટકારી હતી. રોહિત શર્માએ ૪૪ બોલમાં ૫૭ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ઇશાન કિશન ૩૪ બોલમાં ૫૨ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રોહિતે પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ઈશાને ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે શેનન ગેબ્રિયલ અને જાેમેલ વારિકનને ૧-૧ વિકેટ ઝડપી હતી.
આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગમાં ૪૩૮ રન બનાવ્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૫૫ રને સમેટાઈ ગઈ હતી. ભારત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં ૫ વિકેટ ઝડપી હતી.