Stock Market Record
Stock Market Record: આઇટી શેરોમાં ઘટાડાને કારણે આજે સવારે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી હતી, પરંતુ બેન્ક નિફ્ટીએ શેરબજારને ઉપર ખેંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
Stock Market Record: ભારતીય શેરબજારમાં સતત નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. આજે ફરી એકવાર નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ અને સેન્સેક્સમાં પણ રેકોર્ડ હાઈ જોવા મળી છે. સવારે રોકાણકારોને જે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો તે હવે ઉત્સાહમાં ફેરવાઈ ગયો છે. નિફ્ટી 25,500ની એકદમ નજીક આવી ગયો છે અને સેન્સેક્સ 83,300ની સપાટીને પાર કરી ગયો છે.
બેન્ક નિફ્ટીની શાનદાર ઉડાનથી બજાર ઉત્સાહિત
બેન્ક નિફ્ટી 496.05 પોઈન્ટ અથવા 0.95 ટકાના નોંધપાત્ર વધારા સાથે 52,684.70 ના સ્તર પર જોવા મળી રહી છે. હાલમાં બેન્ક નિફ્ટીના 12માંથી 9 શેર વધી રહ્યા છે અને માત્ર 3 શેરો જ ઘટી રહ્યો છે. અગાઉ બેન્ક નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને વેપાર 52630ના સ્તરે હતો. સ્થાનિક શેરબજારમાં તેનું વેઇટેજ ઊંચું છે, જેના સમર્થનથી ભારતીય શેરબજારમાં એક નવી ટોચ સર્જાઈ છે. આજના કારોબારમાં તળિયેથી સારી રિકવરી જોવા મળી છે અને સવારે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા પરંતુ હવે મોમેન્ટમ પાછી આવી છે.
ભારતીય બજાર સહિત ઘણા શેરબજારો વૈશ્વિક ઘટનાની રાહ જોઈ રહ્યા છે
ફેડના ચેરમેન જેરોમ પોવેલ આજે મોડી રાત સુધીમાં યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયોની જાહેરાત કરશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે યુએસ ફેડ તેના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે, તે જોવાનું બાકી છે કે આ કટ 0.25 ટકા કે 0.50 ટકા રહેશે. આ કારણે વૈશ્વિક બજારોમાં વિદેશી રોકાણકારો સતત સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે ત્યારે ભારતીય બજારોમાં આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, તેની પાછળ એક્સેન્ચરમાં વેતન ફેરફારનો મુદ્દો મુખ્ય માનવામાં આવે છે.
BSE ની માર્કેટ મૂડીમાં કેટલો વધારો થયો?
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં રૂ. 469.54 લાખ કરોડ થયું છે અને BSEના 3916 શેરના વેપારમાં હાલમાં 1754 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 2001ના શેરમાં ઘટાડો છે અને 161 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.