દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ ભજનપુરમાં એક જ મકાનને સાત વાર ગિરવે મુકીને અનેક બેંકોને રુપિયા ૨૫ કરોડનો ચૂનો ચોપડનારા દંપતીને ઝડપી પાડ્યું છે. આરોપીઓની ઓળખ જીતેન્દ્ર જૈન અને તેની પત્ની અંજના જૈન તરીકે થઈ છે. જીતેન્દ્ર જૈન ધોરણ ચાર સુધી જ ભણેલો છે અને તેની પત્ની ધોરણ સાત સુધી ભણેલી છે. આરોપીઓ ફરાર થયા બાદ બેંકોએ ગુનો નોંધાવ્યો હતો. સાથે જ એસબીઆઈએ પણ કેસ નોંધાવ્યો હતો. દિલ્હી પોલીસે આ બંને આરોપીઓ પર એક લાખ રુપિયા ઈનામ જાહેર કર્યુ હતુ. અનેક રાજ્યોમાં છેતરપિંડી આચર્યા બાદ હવે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. ત્યારે પોલીસ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આરોપીઓએ કેટલાં લોકોને ચૂનો ચોપડ્યો હતો.
કંપનીના આસિસ્ટન્ટ મેનેજર દિપાંકર સિન્હાએ જણાવ્યું કે, ભજનપુરમાં મકાનને ગિરવે મૂકીને જીતેન્દ્ર અને તેની પત્ની અંજનાએ કંપનીમાંથી રુપિયા ૨.૬૦ કરોડની લોન લીધી હતી. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ ફેક દસ્તાવેજ તૈયાર કરીને મકાન પહેલાં સેન્ટ્રલ બેંક, સિંડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક વગેરે પાસેથી રુપિયા ૨૫ કરોડથી પણ વધુની લોન લીધી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આરોપીઓ ૨૦૧૬થી ફરાર છે. પોલીસને ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળ્યું કે, આરોપી દિલ્હી, તમિલનાડુ, બેંગાલુરુ, નાસિક અને જલગાંવમાં રહી રહ્યા છે.
આરોપીઓ સતત પોતાનું લોકેશન અને મોબાઈલ પણ બદલી રહ્યા હતા. આરોપીનો દીકરો બેંગાલુરુમાં કોઈ મેડિકલ કોલેજમાં ભણતો હોવાનું સામે આવ્યું હતું. ટીમ જ્યારે ત્યાં પહોંચી તો આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. એક મોબાઈલના આધારે લોકેશન મહારાષ્ટ્રમાં મળ્યું હતું. એ પછી બંનેને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ જણાવ્યું કે, તેઓએ તમિલનાડુમાં પણ એક બેંકને ગોલ્ડના નામે છેતરી હતી. આરોપી ભજનપુરમાં મીઠાઈની દુકાન ચલાવતો હતો.
મહત્વનું છે કે, આરોપીએ આ રીતે ફેક દસ્તાવેજાેના આધારે બેંકોને કરોડો રુપિયાનો ચૂનો ચોપડ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે, કોઈ પણ બેંકે જ્યારે તેમને લોન આપી ત્યારે તેના દસ્તાવેજની ખરાઈ કેમ ન કરી. યોગ્ય રીતે ચકાસણી કર્યા વગર જ શું રુપિયા આપી દેવામાં આવ્યા હતા. માત્ર ધોરણ ચાર સુધી ભણેલા શખસે કેવી રીતે બેંકોને કરોડો રુપિયાનો ચૂનો ચોપડ્યો. જ્યારે આ ખુલાસો થયો ત્યારે ખુદ પોલીસ પણ માથુ ખંજવાળવા લાગી હતી.