Dollar Vs Rupee
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા, મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં રૂપિયો ગગડ્યો છે. ડૉલર સામે રૂપિયો આજે વધુ 39 પૈસા તૂટી 87.46ની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ સાથે ફોરેક્સ માર્કેટમાં હલચલ વધી છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થતાં રોકાણકારો હાલ સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર પણ ઊંચો ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જેના લીધે ભારત પર પણ ટેરિફનું જોખમ વધ્યું છે.
મોંઘવારી વધવાનું જોખમ
ડૉલર સામે રૂપિયો છેલ્લા કેટલાક દિવસોથી ગગડતાં આયાત મોંઘી થવાની શક્યતા છે. જેની સાથે વિદેશમાં હરવા-ફરવા અને અભ્યાસ મોંઘો થશે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને સોનાના ભાવ વધશે. આયાત થતી કોમોડિટીના ભાવો આસમાને પહોંચતાં મોંઘવારી વધશે. દેશમાં વિદેશી રોકાણ પણ ઘટશે. રૂપિયામાં નોંધાઈ રહેલો કડાકો અટકાવવા માટે આરબીઆઇની દખલ આવશ્યક બની છે.