પટનામાં આજે વિપક્ષ એકતાની તાકાત જાેવા મળી રહી છે. આજે પટનામાં વિપક્ષી નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટકમાં અમે જે રીતે ભાજપને હરાવ્યું છે, તેમ અમે એક સાથે મળીને બીજેપીને હરાવવા જઈ રહ્યા છીએ. તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ પાર્ટી તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે, એક કોંગ્રેસની ‘ભારત જાેડો’ની વિચારધારા અને બીજી તરફ ભાજપની ‘ભારત તોડો’ ની વિચારધારા છે. ભાજપ ભારતને તોડવાનું કામ કરી રહી છે. તે નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરી રહી છે અને કોંગ્રેસ પાર્ટી એક થવા અને પ્રેમ ફેલાવવાનું કામ કરી રહી છે. નફરતને નફરતથી હરાવી શકાતી નથી, નફરતને પ્રેમથી જ હરાવી શકાય છે.
અરવિંદ કેજરીવાલની બેઠકમાં બહાર થવાની વાતને લઈને કોંગ્રેસે પણ કડક વલણ દાખવ્યું છે. ખડગેએ સ્પષ્ટ કહ્યું કે અરવિંદ કેજરીવાલ જાણતા હશે કે વટહુકમનું સમર્થન કે વિરોધ બહાર નહી સંસદમાં હોય છે. જ્યારે સંસદ શરૂ થશે ત્યારે તમામ પક્ષો સાથે મળીને એજન્ડા નક્કી કરશે તેમ ખડગેએ વધુમાં કહ્યું હતું.
આજે બિહારના સીએમ નીતિશ કુમારના ઘરે આજે વિપક્ષી દળોની બેઠક યોજાવાની છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, સીપીઆઈમહાસચિવ ડી રાજા બેઠકમાં ભાગ લેવા પટના પહોંચ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે.