SIP
મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) બંધ થવાની વધતી સંખ્યાને જોતાં જાન્યુઆરીમાં ડાયરેક્ટ પ્લાન એસઆઈપી એકાઉન્ટો બંધ થવાનું કારણ રહ્યા હતા, પરંતુ ફેબુ્રઆરીમાં આથી વિપરીત પરિણામ જોવા મળ્યું છે. જેમાં રેગ્યુલર પ્લાન એસઆઈપી એકાઉન્ટો વધુ બંધ થયા હોવાનું આંકડા દર્શાવે છે.
રેગ્યુઅલર પ્લાન એસઆઈપી એકાઉન્ટો, જે બજારની સ્થિતિ માટે વધુ સ્થિતિસ્થાપક હોવાની અપેક્ષા છે. ફેબુ્રઆરીમાં ૮ લાખ જેટલા બંધ થયા છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ માસિક ઘટાડો નોંધાયો છે. મ્યુચ્યુઅલ ફંડોમાં ફેબુ્રઆરી મહિનામાં સક્રિય એસઆઈપી એકાઉન્ટોની સંખ્યા ૧૦ લાખ ઘટીને ૧૦.૧૭ કરોડ રહી છે. આ બંધ થયેલા એકાઉન્ટોમાં રેગ્યુઅલર પ્લાન એસઆઈપીનો હિસ્સો ૮૦ ટકા જેટલો રહ્યો છે.
જાન્યુઆરીમાં એસઆઈપી એકાઉન્ટોમાં ચોખ્ખો ઘટાડો અપેક્ષિત સેગ્મેન્ટો ડાયરેક્ટ પ્લાન અથવા ડુ-ઈટ-યોરસેલ્ફ સેગ્મેન્ટમાંથી રહ્યો હતો. જ્યારે જાન્યુઆરીમાં ડાયરેક્ટ પ્લાન એસઆઈપી એકાઉન્ટો બંધ થવાની ચોખ્ખી સંખ્યા ૯ લાખ રહી હતી અને રેગ્યુલર પ્લાન એકાઉન્ટોની સંખ્યા ચાર લાખ વધી હતી.
મ્યુચ્યુઅલ ફંડ સ્કિમો મુખ્યત્વે બે પ્રકારની હોય છે, ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન. જેમાં એક્સપેન્સ માળખું અલગ અલગ હોય છે. ડાયરેક્ટ પ્લાન સસ્તો વિકલ્પ હોય છે અને એ ઓનલાઈન પ્લેટફોર્મ્સ થકી સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ રહે છે. રેગ્યુલર પ્લાનમાં કમિશનનો ભાગ હોવાને કારણે તુલનાત્મક ખર્ચાળ હોય છે અને એનું મોટાભાગે બેંકો, વેલ્થ પ્લેટફોર્મ્સ અને વ્યક્તિગત ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા રોકાણકારોને વેચાણ થતું હોય છે.
ઉલ્લેખનીય છે કે, શેર બજારોમાં પાછલા વર્ષોમાં રેકોર્ડ તેજીના પરિણામે રોકાણકારોનો ધસારો જોવાયો હતો અને વર્ષ ૨૦૨૪ના પ્રથમ છમાસિકમાં એસઆઈપી એકાઉન્ટો ખુલવામાં તીવ્ર વધારો થયો હતો. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ એક કરોડ જેટલો એવા યુનિક એકાઉન્ટો ધરાવે છે, જે રોકાણકારોએ છેલ્લા એક વર્ષમાં જ રોકાણની શરૂઆત કરી છે. મ્યુચ્યુઅલ ફંડોના કુલ રોકાણકારોમાં આ હિસ્સો ૨૦ ટકા જેટલા છે.