મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હિલચાલ વધતી જઈ રહી છે. ભાજપ, કોંગ્રેસના નેતાઓમાં આગળ નીકળવાની જાણે હોડ મચી ગઈ છે.
ભાજપ માટે હાલમાં એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના ભાજપના નેતા અને શિવપુરીથી જિલ્લા ઉપાધ્યક્ષ રાકેશ ગુપ્તાએ તેમના પદેથી રાજીનામુ આપી દીધું છે.
પૂર્વ ભાજપ નેતા રાકેશ ગુપ્તા સિંધિયાના નજીકના હતા. ભાજપ છોડતાં તેમણે કહ્યું કે હું સિંધિયા સાથે ભાજપમાં જાેડાયો તો ખરો પણ ત્યાં અમને કોઈ સન્માન ન મળ્યું. સિંધિયાને ટેકો આપનારા અમુક જ ધારાસભ્યો અને મંત્રીઓને લાભ થયો છે. જાેકે કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયેલા નેતાઓને કંઈ મળ્યું નથી. તેમના સન્માનને પણ આંચકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે રાકેશ ગુપ્તા હાલમાં શિવપુરી જિલ્લાથી ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ હતા.
ભાજપમાંથી રાજીનામુ આપનારા રાકેશ ગુપ્તા કોંગ્રેસમાં શિવપુરના જિલ્લાધ્યક્ષ હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડ્યા બાદ ૨૦૨૦માં તેઓ પણ ભાજપમાં જાેડાઈ ગયા હતા પણ તેમને પૂરતું માન ન મળતાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું. તેઓ આજે હવે ફરી કોંગ્રેસમાં જાેડાશે. તેઓ ૨૦૦ ગાડીઓ અને લગભગ એક હજાર સમર્થકોની સાથે ભોપાલમાં પીસીસી પહોંચવા નીકળી ચૂક્યા છે. કમલનાથની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થશે.