૧૭થી ૩૦ વર્ષની અજાણી સ્ત્રીની લાશ સળગેલી હાલતમાં ૯ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સવારના ૧૧ઃ૦૦ વાગ્યાના અરસામાં ખામટા ગામ પાસેથી મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ પડધરી પોલીસને થતા પડધરી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સળગેલા માનવ કંકાલને ફોરેન્સિક પીએમ અર્થે મોકલ્યા હતા. ત્યારે ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મરણ જનનારની ઉંમર ૧૭ વર્ષથી ૩૦ વર્ષની વયની હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પડધરી પોલીસ દ્વારા આઇપીસી ૩૦૨ (હત્યા) અને ૨૦૧ (પુરાવાનો નાશ કરવો ) સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ઇન્વેસ્ટીગેશન ઓફિસર જી જે ઝાલાના જણાવ્યા પ્રમાણે, ૯ તારીખના રોજ ગ્રામજનો દ્વારા સળગેલી હાલતમાં લાશ મળી આવી હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદી બની છે. હત્યાનું ચોક્કસ કારણ જાણવા બાબતનો રિપોર્ટ હજુ બાકી છે. હાલ તો નજીકના સ્થળની આજુબાજુ તેમજ આજુબાજુના જિલ્લાઓમાં ગુમ થયેલી યુવતીઓની યાદી મંગાવવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી ફોરવ્હીલના નિશાન મળી આવ્યા છે. જેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. રાત્રે કોઈ ફોર વ્હીલર ખામટા ગામે આવી હતી કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વિલન્સના માધ્યમથી પડધરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હત્યાનો બનાવ કેટલા સમયમાં ઉકેલાઈ છે તે જાેવું અતિ મહત્વનું બની રહેશે. તો સાથે જ હત્યાના બનાવ પાછળ હત્યારા વ્યક્તિનો મોટીવ કયા પ્રકારનો છે? તેમજ હત્યાની ઘટનામાં એક કે તેથી વધુ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે પોલીસ તપાસ દરમિયાન જ સામે આવશે. ત્યારે હાલ તો સળગેલી હાલતમાં મળી આવેલ માનવ કંકાલ પોલીસ માટે એક કોયડો બની ગયો છે.