રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના અનેક કિસ્સા છાશવારે સામે આવી રહ્યાં છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ નાની વયે હાર્ટ અટેકના કેસ સાથે મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.ગત રાત્રે અમદાવાદના હાથીજણમાં ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યુ હતું. અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા ૨૮ વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે.

યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જાે કે સારવાર મળે પહેલા જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું. તો બીજી તરફ જામનગરના સેના નગરમાં રહેતા રવિ લુણા નામના યુવકને સામાન્ય તાવ અને શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. આ દરમિયાન છાતીમાં દુઃખાવો થતા યુવકનું મોત નિપજ્યું. આ તરફ બાબરા- અમરેલી હાઈવે પર રીક્ષા ડ્રાઈવિંગ દરમિયાન જ ચાલકને તિવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો. જેમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. તો રાજકોટમાં હાર્ટ અટેકના કારણે ૩૨ વર્ષીય યુવકનું મોત થયું છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં ૪૦ વર્ષીય ખેડૂતનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. આ તરફ મહેસાણામાં ૪૦ વર્ષીય હોમગાર્ડના જવાન પ્રહલાદ રાઠોડે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ત્રણ દિવસ પહેલા ફરજ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો.

Share.
Exit mobile version