શહેરના ગોતા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ સાથે ૫ લોકોએ ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીઓએ અમેરિકા જવાના વિઝિટર વિઝા અને ટિકિટ આપવાનું કહીને આંગડિયા પેઢીમાં ૫૧ લાખ રૂપિયા ભરાવીને પેઢી બંધ કરી દેતા ૪૮ વર્ષીય શૈલેષ પટેલે નવરંગપુરા પોલીસમાં પાંચેય શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. શૈલેષભાઈ કલ્યાણભાઈ પટેલ (૪૮)એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ગોતામાં પરિવારમાં સાથે રહે છે અને સ્કૂલ વર્ધીમાં ડ્રાઈવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાનમાં એક ૨૩ વર્ષનો દીકરો છે. તેમણે જશવિંદર બાજવા, હિતેશ, મનીષ, ચિરાગ યાદવ અને દર્શન જાેષીએ મળીને ૫૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ડિસેમ્બર ૨૦૨૨માં સાળા હરેશ પટેલે (જે હાલ અમેરિકાના શિકાગોમાં રહે છે) શૈલેષ પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમનો મિત્ર પ્રગ્નેશ બાબુભાઈ પટેલને વિઝિટર વિઝા પર અમેરિકા જવાનું છે અને સાથે અયાઝ સૈયદ નામના એક વ્યક્તિનો ફોન નંબર આપ્યો હતો. જેથી શૈલૈષ પટેલે અયાઝને ફોન કરતા તેઓએ ડિસેમ્બરના અંતમાં ગોતા સ્થિત વંદે માતરમ મળવા બોલાવ્યા હતા. ત્યારે શૈલેષ પટેલ તથા પ્રગ્નેશ બંને અયાઝને મળવા પહોંચ્યા અને અમેરિકાના વિઝિટર વિઝા માટે ફાઈલ મૂકવાની વાત કરી હતી. ત્યારે અયાઝે જણાવ્યું કે, તેઓ ફાઈલ મુકવાનું કામ નથી કરતા પરંત તેમના સીનિયર જશ બાજવા ઉર્ફે જશવિંદર ફાઈલ મૂકી આપશે. ત્યારે શૈલેષ પટેલે અયાઝને જ્યારે ફાઈલ મૂકવાની કાર્યવાહી કરવાની થાય ત્યારે અમને જાણ કરજાે, જેથી જરૂરી ડોક્યુમેન્ટ્‌સ પહોંચતા કરી દઈશું તેવું કહીને છૂટા પડી ગયા હતા.ત્યારબાદ ૧૦ જાન્યુઆરીના રોજ શૈલેષ પટેલલના સાળાનો ફરીથી ફોન આવ્યો અને જણાવ્યું કે, વિઝિટર વિઝાની પ્રોસેસ માટે ૫૧ લાાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન શો કરવું પડશે. જેથી ૫૧ લાખ રૂપિયા આશ્રમ રોડ પર આવેલી શાંતિલાલ સોમાભાઈ પટેલ નામની આંગડિયા પેઢી ખાતે જમા કરાવવા કહ્યું હતું. સાથે જ પ્રગ્નેશના વિઝા તથા ટિકિટનું કામ બે દિવસમાં થઈ જશે અને આંગડિયા પેઢીમાં મનિષ હાજર હશે જેને હિતેશનું નામ આપશો તો તેઓ રૂપિયા લઈ લેશે તેવું પણ કહ્યું હતું.

ફરિયાદ અનુસાર શૈલેષ પટેલ બાદમાં તેમના મામાના દીકરા દિવ્યેશ પટેલ સાથે શાંતિલાલ સોમાભાઈ પટેલ આંગડિયા પપેઢી ખાતે ૫૧ લાખ રૂપિયા કેશ લઈ ગયા હતા, જ્યાં બે વ્યક્તિ હાજર હતા. જેમની પૂછપરછ કરતા તેમને પોતાની ઓળખ ચિરાગ યાદવ અને દર્શન જાેષી તરીકે આપી હતી. શૈલેષ પટેલે મનિષ અંગે પૂછતા બંનેએ જણાવ્યું કે, તે હાલ ઓફિસમાં હાજર નથી. જેથી શૈલેષ પટેલે અયાઝને ફોન કરીને મનિષનો નંબર મેળવ્યો હતો અને ફોન કરતા મનિષે જણાવ્યું કે, મને વાર લાગશે. થોડા સમય બાદ શૈલેષભાઈએ ફરીથી ફોન કરતા મનિષે જણાવ્યું કે, તે એરપોર્ટ સર્કલ પાસે છે અને પૈસા આંગડિયાની ઓફિસમાં મૂકીને પૈસા મોકલ્યાની રસીદના ફોટા અયાઝને મોકલી દો તેવું જણાવ્યું હતું.

આ દરમિયાન શૈલેષ પટેલના સાળાએ તેમને ફોન કરીને જણાવ્યું કે, તેની અયાઝ, મનિષ તથા જશ બાજવા સાથે વાતચીત થઈ ગઈ છે, તમે રૂપિયા આંગડિયા પેઢીમાં જમા કરાવી દો કહેતા શૈલેષ પટેલે શાંતિલાલ સોમાભાઈ પટેલની ઓફિસમાં હાજર ચિરાગ યાદવ અને દર્શન જાેષીને આપ્યા હતા. જેમણે પૈસા મૂકનાર તરીકે દિવ્યેશ પટેલ તથા લેનાર તરીકે શૈલેષ પટેલનું નામ લખીને શાંતિલા સોમાભાઈ આંગડિયા પેઢીની એક ચિટ્‌ઠી આપી હતી. જેનો ફોટો શૈલેષભાઈએ બાદમાં અયાઝને મોકલીને ફોન કરતા તેમણે થોડીવાર રાહ જાેવા માટે જણાવ્યું હતું. શૈલેષ પટેલ ત્યાં ઓફિસમાં જ હાજર હતા અને થોડા સમય બાદ તેમણે મનિષને ફોન કરતા તેણે જણાવ્યું કે, તમે થોડીવાર રાહ જુઓ હું તમને ટિકિટ તથા વિઝાની કોપી આપું છું.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર આશરે ૧૦ મિનિટ બાદ આંગડિયા પેઢી ખાતે હાજર ઈસમોએ શૈલેષ પટેલને જણાવ્યું કે, ઓફિસ બંધ કરવાનો સમય થઈ ગયો છે. જેથી તમે બહાર ઉભા રહો. જેથી શૈલેષભાઈ અને તેમના મામાનો દીકરો આંગડિયા પેઢીની ઓફિસની બહાર નીકળી ચીનુભાઈ ટાવરના ગેટ પાસે ઉભા હતા. શૈલેષ પટેલે ફરીથી મનિષને ફોન કરતા તેણે તેમણે એરપોર્ટ સર્કલ ખાતે આવીને ટિકિટ તથા વિઝાની કોપી લઈ જવા જણાવ્યું હતું. ત્યારે શૈલેષ પટેલે તેમના શિકાગોમાં રહેતા સાળાને ફોન કરતા તેણે ર્નિણયનગર ખાતે જવા કહ્યું અને જણાવ્યું કે, તેની અયાઝ, મનિષ તતા જશ બાજવા સાથે વાતચીત ચાલુ છે અને તે કહે ત્યારે જ એરપોર્ટ જઈને ટિકિટ અને વિઝાની કોપી લઈને આવે.

સાળાના કહેવા પર શૈલેષ પટેલ ર્નિણયનગર ગયા અને ઘણી રાહ જાેવા છતાં કોઈનો ફોન ન આવતા તેમણે ફરીથી તેમના સાળાને ફોન કર્યો અને જણાવ્યું કે, તેમને કોઈનો ફોન આવ્યો નથી. ત્યારે સાળાએ હિતેષ અને મનિષને ફોન કરવા જણાવ્યું હતું. જ્યારે શૈલેષ પટેલે ફોન કરતા બંનેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. શૈલેષ પટેલને શંકા થતાં તેમણે ફરીથી તેમના સાળાને ફોન કરતા તેણે હાલ ઘરે જવા અને કાલે આંગડિયા પેઢીની ઓફિસે જઈને રૂપિયા ઉપાડી લેવાનું કહ્યું હતું.

શૈલેષ પટેલ બીજા દિવસે આશ્રમ રોડ સ્થિત ચિનુભાઈ ટાવરમાં આવેલી શાંતિલાલ સોમાભાઈ પટેલની આંગડિયા પેઢીની ઓફિસે પહોંચ્યા તો તં બંધ હતી. શૈલેષ પટેલને શંકા થતાં તેમણે આસપાસના લોકોની પૂછપરછ કરી તો અહીંયા આંગડિયા પેઢી એકાદ મહિનાથી જ ખુલ્લી હતી અને તે પહેલા અહીં કોઈ આંગડિયા પેઢી નહોતી. તેવું જણાવતા શૈલૈષ પટેલના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. શૈલેષ પટેલ થોડા સમય માટે ત્યાં જ ઉભા રહ્યા છતાં ઓફિસ ન ખૂલતા આખરે તેમણે અહેસાસ થયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.
બાદમાં તેઓ તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જશવિંદર બાજવા, હિતેશ, મનિષ, ચિરાગ યાદવ અને દર્શન જાેષી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વઘુ તપાસ હાથ ધરી છે.

Share.

Leave A Reply

Exit mobile version