કેનેડામાં હાજર મણિપુરના કુકી-જે આદિવાસી જૂથના એક નેતા છે તેમણે ઉત્તર-પૂર્વ રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ભાષણ આપ્યું હતું. તેના કારણે હવે એક નવો વળાંક આવ્યો છે. ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં કેનેડાના સર્રે શહેરના ગુરુદ્વારામાં આયોજિત એક ઈવેન્ટમાં મણિપુર હિંસા પર ભાષણ આપવામાં આવ્યું હતું. જેનો ચીફ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હતો. આવી સ્થિતિમાં હવે મણિપુર હિંસા અને ખાલિસ્તાની ગતિવિધિઓ વચ્ચે લિંક હોવાની વાત થઈ રહી છે.
‘નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઈબલ એસોસિએશન’ (એનએએમટીએ)ના કેનેડા ચીફ લીન ગાંગટેએ પોતાના ભાષણમાં ભારતમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે કેનેડાથી શક્ય તમામ મદદ કરવાની વિનંતી પણ કરી હતી. એનએએમટીએએ ફેસબુક અને એક્સ પર ૭ ઓગષ્ટના રોજ વીડિયો પોસ્ટ કર્યો હતો. જાેકે, જ્યારે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધતા આ સંગઠને આ વીડિયો ડિલીટ કરી દીધો છે.
લીન ગાંગટેએ મણિપુરમાં થઈ રહેલી હિંસા અને મૈતેઈ સમુદાયને લઈને નિવેદન આપ્યું હતું. ગાંગટેએ કહ્યું કે, ૪ મેં ના રોજ ભીડે મારા પર ઘર પર હુમલો કર્યો હતો અને મારા પિતાને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ ૮૦ વર્ષના છે. તેમણે અમારું ઘર લૂંટીને આગ ચાંપી દીધી. મારા મોટા ભાઈ અને તેમના પરિવારે ઘર છોડીને ભાગવું પડ્યું. મણિપુર ૩ મેં થી સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૨૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ૭૦૦૦થી વધુ લોકોના ઘર લૂંટી લેવામાં આવ્યા છે અને સળગાવી દેવામાં આવ્યા છે.
ગાંગટેએ વધુમાં કહ્યું કે, ઘાટીમાં સેંકડો ચર્ચ સળગાવી દેવામાં આવ્યા છે અને ૨૦૦ ગામોને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ હિંસા રોકવા માટે કંઈ જ નથી કર્યું. ઊલટું મણિપુર પોલીસે તોફાનીઓને પ્રોત્સાહિત કર્યા છે. અમને ઈમ્ફાલ ઘાટીમાંથી ખૂબ જ ર્નિદયતાથી હાંકી કાઢવામાં આવ્યા હતા તેથી અમે તેને આદિવાસી નરસંહાર માનીએ છીએ. તેઓએ એમ્બ્યુલન્સમાં સાત વર્ષના બાળક, તેની માતા અને એક સંબંધીને જીવતા સળગાવી દીધા. અને પછી અમને કહેવામાં આવે છે કે, અમે શાંતિ અને સામાન્ય સ્થિતિની વાત કરીએ.
એનએએમટીએ નેતાએ કહ્યું કે, જ્યારે ભારતમાં આ બધું થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં હતા. તેઓ અમેરિકા, ફ્રાન્સ, ઇજિપ્ત ગયા પરંતુ ત્યાં ન ગયા જ્યાં તેમની સૌથી વધુ જરૂર હતી. ગાંગટેએ આગળ કહ્યું કે, ‘ભારતમાં કોઈ લઘુમતી સુરક્ષિત નથી. પછી તે મુસ્લિમ, શીખ કે ખ્રિસ્તી હોય. અમે ભારતમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરીએ છીએ. અમે કેનેડાને તમામ શક્ય સહાય પૂરી પાડવા વિનંતી કરીએ છીએ. ભારતીય ગુપ્તચર એજન્સીઓ એનએએમટીએની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ ઉપરાંત કુકી-જાે સમૂહના કથિત ખાલિસ્તાની લિંક પર પણ નજર રાખવામાં આવી રહી છે. લીન ગાંગટેના ભાષણ બાદ એનએએમટીએ સભ્યો અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરના સમર્થકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મણિપુર સરકારે પણ એનએએમટીએની સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે.