દેશમાં વધી રહેલી બેરોજગારીથી આજના યુવાનો સૌથી વધુ ચિંતિત છે. યુવાનો માને છે કે આજે તેમના માટે સૌથી મોટી સમસ્યા અભ્યાસ બાદ નોકરી શોધવાની છે. પહેલાની સરખામણીમાં આજે નોકરી શોધવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તેનું મુખ્ય કારણ છે હાલમાં ઓછી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે. તે જ સમયે, માત્ર ૫ ટકા યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે વિજ્ઞાનને પસંદ કરી રહ્યા છે. લોકનીતિ-સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ બાબતો સામે આવી છે. આ સર્વે ૧૮ રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઓડિશા, કેરળ, ઝારખંડ, આસામ, પંજાબ, છત્તીસગઢ અને દિલ્હીમાં કર્યો હતો. ૧૫ થી ૩૪ વર્ષની વયના ૯૩૧૬ યુવાનો વચ્ચે કરવામાં આવ્યું. સર્વે માટે ફિલ્ડવર્ક નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૨૨માં કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં જ્યારે યુવાનોને દેશની સૌથી મોટી સમસ્યા વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ બેરોજગારીને ટોચ પર મૂકી. સર્વેમાં સામેલ ૩૬ ટકા યુવાનોએ બેરોજગારીને સૌથી મોટી સમસ્યા ગણાવી છે.
૧૬ ટકા યુવાનો ગરીબીને સૌથી મોટી સમસ્યા માને છે. ૧૩ ટકા યુવાનોએ કહ્યું કે, તેમના માટે મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. સર્વેમાં સામેલ ૬ ટકા યુવાનોએ ભ્રષ્ટાચારને સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. ૪ ટકા યુવાનોના મતે ઓનલાઈન શિક્ષણ એક મોટી સમસ્યા છે. તે જ સમયે, ૪ ટકા યુવાનોના મતે વધતી વસ્તી એ એક મોટી સમસ્યા છે. સર્વેમાં સામેલ ૧૮ ટકા લોકોએ કોઈ જવાબ આપ્યો નથી. સર્વેમાં યુવાનોને અભ્યાસના ક્ષેત્ર અંગે તેમની પસંદગી વિશે પૂછવામાં આવ્યું હતું. સર્વેમાં સામેલ એક તૃતીયાંશ એટલે કે ૩૫ ટકા યુવાનોએ આર્ટસ/હ્યુમેનિટીઝને અભ્યાસ માટે તેમની પ્રથમ પસંદગી હોવાનું જણાવ્યું. સર્વેમાં સામેલ ૨૦ ટકા યુવાનોએ વિજ્ઞાનમાં રસ દાખવ્યો હતો. ૮ ટકા યુવાનોએ કોમર્સને તેમની પસંદગી હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે સર્વેક્ષણમાં સામેલ યુવાનોમાંથી માત્ર ૫ ટકાએ જ વિજ્ઞાન/ટેક્નોલોજીને પોતાની પસંદગી ગણાવી છે, જ્યારે ૧૬ ટકા યુવાનોએ મિશ્ર વિષયોને તેમની પસંદગી હોવાનું જણાવ્યું છે.
સર્વેમાં યુવાનોને સરકારી કે ખાનગી નોકરીમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું હતું. સર્વેમાં સામેલ ૬૧ ટકા યુવાનોએ સરકારી નોકરીને તેમની પ્રાથમિકતા ગણાવી હતી. ૨૭ટકા યુવાનોએ પોતાનો બિઝનેસ, સાહસ અથવા સ્ટાર્ટ અપ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માત્ર ૬ ટકા યુવાનો ખાનગી નોકરી કરવા ઇચ્છતા હતા. સર્વેમાં સામેલ યુવાનોને કોરોના સમયગાળા દરમિયાન ઓનલાઈન ક્લાસ અને ઓનલાઈન અભ્યાસ દરમિયાન આવતી સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમાંથી ૩૯ ટકા યુવાનોએ નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટીને મોટી સમસ્યા ગણાવી હતી. તે જ સમયે, ૮૦ ટકા યુવાનોએ સ્વીકાર્યું કે કોરોના સમયગાળા અને લોકડાઉન દરમિયાન અભ્યાસમાં સમસ્યા હતી. જ્યારે ૫ ટકા યુવાનોએ સ્વીકાર્યું કે લોકડાઉન દરમિયાન તેમને અભ્યાસ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. સર્વે મુજબ કરિયરની દૃષ્ટિએ યુવાનોની બીજી પસંદગી એજ્યુકેશન સેક્ટર છે. ૧૪ ટકા યુવાનો શિક્ષણ અને સંબંધિત કામને વ્યવસાય તરીકે અપનાવવા માંગે છે. સર્વેમાં સામેલ ૬ ટકા યુવાનો સરકારી નોકરીમાં જવા માંગે છે. ૮ ટકા પોલીસમાં અને ૩ ટકા વહીવટી સેવાઓમાં રહેવા માંગે છે. માત્ર ૨ ટકા યુવાનોએ તેમની વર્તમાન નોકરી ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.