ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાના કરિયરના તે પડાવમાં છે, જ્યાં તે મેદાનમાં ઉતરવાની સાથે કોઈને કોઈ રેકોર્ડ પોતાના નામે કરે છે. કોહલી જલ્દી આઈસીસી વનડે વિશ્વકપ ૨૦૨૩માં ધમાલ મચાવતો જાેવા મળશે, જેની શરૂઆત ૫ ઓક્ટોબરથી થઈ રહી છે. પરંતુ વિશ્વકપ શરૂ થતા પહેલા વિરાટ કોહલીના મિત્ર અને આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સે એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. એબીડીનું કહેવું છે કે જાે ભારત વિશ્વકપ જીતી જાય તો કોહલી વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

ડિવિલિયર્સને લાગે છે કે કોહલી માટે ૨૦૨૭માં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વનડે વિશ્વકપ રમવો મુશ્કેલ છે. તેવામાં ૩૬ વર્ષીય કોહલી વનડેમાંથી નિવૃત્તિ જાહેર કરી ટેસ્ટ પર ફોકસ કરી શકે છે. ડિવિલિયર્સે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું- મને ખ્યાલ છે કે કોહલીને (૨૦૨૭ વિશ્વકપ માટે) આફ્રિકાની યાત્રા કરવી પસંદ છે, પરંતુ આ કહેવું ખુબ મુશ્કેલ છે. તેમાં ઘણો સમય બાકી છે. મને લાગે છે કે વિરાટ કોહલી તમને આ જણાવશે. મને લાગે છે કે જાે તે વિશ્વકપ જીતે છે તો વનડે ક્રિકેટને અલવિદા કહેવા માટે ખરાબ સમય નહીં હોય. મને લાગે છે કે તે કહેશે, હું લગભગ થોડા વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટ અને આઈપીએલ રમીશ. કરિયરના અંતિમ પડાવનો આનંદ લે અને પરિવારની સાથે સમય પસાર કરે અને અલવિદા કહે.

કોહલી મહાન બેટર સચિન તેંડુલકરના ઘણા રેકોર્ડ તોડી ચુક્યો છે. તેણે હાલમાં વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૩ હજાર રન પૂરા કરી સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીના નિશાન પર સચિનની વનડેમાં સર્વાધિક ૪૯ સદીનો રેકોર્ડ પણ છે. કોહલી ૪૭ સદી ફટકારી ચુક્યો છે. પરંતુ ડિવિલિયર્સનું કહેવું છે કે કોહલી રેકોર્ડ પર ધ્યાન આપતો નથી. તેણે કહ્યું- મને નથી લાગતું કે કોહલીનું ધ્યાન તેના પર છે. તે ક્યારેય પોતા વિશે વિચારનાર વ્યક્તિ નથી. તે પોતાની ટીમને વિશ્વકપ જીતાડવા ઈચ્છે છે અને રમતના દરેક ફોર્મેટમાં ટીમનો ભાગ બનવા ઈચ્છે છે. તે એક ટીમ પ્લેયર છે અને આ ભાવનાઓ તમને મેદાન પર જાેવા મળે છે. ખાસ કરી જ્યારે તે ફીલ્ડિંગ કરતો હોય છે. તે ઈમોશન તમને જણાવે છે કે તેના માટે જીત શું મહત્વ રાખે છે.

Share.
Exit mobile version