Adani
અમેરિકન સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશન કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે જારી કરાયેલું સમન્સ અમદાવાદ પહોંચી ગયું પણ તંત્ર મૌન સેવી રહ્યું છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસે તા. 27 ફેબ્રુઆરીએ બજવણી માટે સમન્સ મોકલી આપ્યું હતું. સમન્સમાં એવી તાકીદ કરવામાં આવી છે કે, સમન્સ બજી ન શકે તો શા માટે બજાવી ન શકાયું તેનો રિપોર્ટ અંગ્રેજીમાં રજૂ કરવાનો રહેશે. તાકીદ વચ્ચે અદાણીને સમન્સ બજાવવાના મામલે અમદાવાદ પોલીસ અને અદાલતી સૂત્રોની અજાણતા કે મૌન આ આંતરરાષ્ટ્રીય કિસ્સામાં ચર્ચાસ્પદ છે.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી સામે કેસ કર્યો હતો. જેમાં સાગર અદાણી અને અદાણી ગ્રીન લિ.ના અન્ય એક્ઝિક્યૂટિવ્સને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. જેમાં સરકારી અધિકારીઓને લાંચ આપીને પોતાની તરફેણમાં પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવાયો છે.
આ કેસમાં અમેરિકન સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશન કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે આગળની તપાસ કાર્યવાહી શરુ કરવા અમેરિકાએ બંને દેશો વચ્ચે કાયદાકીય મામલાઓમાં એકમેકને સહકારની સંધિ હોવાથી કેન્દ્ર સરકાર પાસે મદદ માગવામાં આવી હતી.
અમેરિકા તરફથી કરાયેલી વિનંતીના પગલે અદાણીને સમન્સ નોટિસ મોકલવામાં આવી હતી. આ સમન્સને કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટને મોકલવામાં આવ્યા છે અને તેને અમદાવાદ સ્થિત અદાણીના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવે તેમ કોર્ટને જણાવાયું હતું.
આ સમન્સ નોટિસ તા. 27 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ વિભાગ દ્વારા અમદાવાદની ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટને મોકલવામાં આવ્યું છે. સાથે જ તાકીદ કરવામાં આવી છે કે, જો સમન્સ આ કોર્ટને આનુસંગિક ન હોય તો અન્ય લાગતી વળગતી કોર્ટને મોકલી બજાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવી.
ભારત અને અમેરિકા વચ્ચે કાયદાકીય બાબતોમાં સહકારની સંધિ થયેલી છે. અમેરિકાની અદાલતમાં કાયદાકીય મામલો હોવાથી ભારત સરકારે ત્વરિત કાર્યવાહી કરી છે. આ સ્થિતિ વચ્ચે તા.27 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલી સમન્સ નોટિસ 15 દિવસ સુધી બજી ન હોય તેવું માનવાને કોઈ કારણ રહેતું નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાના કિસ્સામાં ભારત સરકાર કોઈ કચાશ રાખવા માંગતી નથી. ત્યારે અમદાવાદ પોલીસ અને કોર્ટ સૂત્રોની અજાણતા કે મૌન કાયદાકીય અને વકીલ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.