IIFL finance : NBFC કંપની IIFL ફાઇનાન્સ પર RBIની કાર્યવાહી બાદ કંપનીના શેરમાં સતત ભારે વેચવાલી જોવા મળી રહી છે. બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં કંપનીના શેરમાં નીચી સર્કિટ લાગી હતી. IIFL ફાઇનાન્સનો શેર 20 ટકા અથવા રૂ. 95.70 ઘટીને રૂ. 382.80 થયો હતો. આ શેરનું આ 52 સપ્તાહનું નીચલું સ્તર છે. આ શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 704.20 રૂપિયા છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 14,603.17 કરોડ થયું છે.
32 દિવસમાં શેર 35% ઘટ્યો.
મંગળવારે પણ શરૂઆતી કારોબારમાં સ્ટોક 20 ટકા ઘટ્યો હતો. અગાઉ સોમવારે પણ IIFLના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. ભારતીય રિઝર્વ બેંકે IIFL ફાયનાન્સને ગોલ્ડ લોનનું વિતરણ કરતા અટકાવી દીધું છે. તેના કારણે શુક્રવારના રૂ. 596.80ના બંધ ભાવની સરખામણીએ કંપનીના શેરમાં 35 ટકાનો ઘટાડો થયો છે.
વિશ્લેષકોના મતે, આ NBFCની લગભગ 32 ટકા AUM ગોલ્ડ લોન બુકના રૂપમાં છે. જેફરીઝે આ સ્ટોક પર તેનું રેટિંગ બાય ટુ હોલ્ડથી ડાઉનગ્રેડ કર્યું છે, કારણ કે આરબીઆઈના પ્રતિબંધથી કંપનીના નફામાં ઘટાડો થશે.
RBIએ શા માટે કાર્યવાહી કરી?
RBI દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી ગોલ્ડ લોનનું વિતરણ કરવા પર રોક લગાવવામાં આવી છે. ગોલ્ડ લોનના નિયમોનું પાલન ન કરવાને કારણે કંપની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, કંપની વર્તમાન લોન માટે સેવાઓ ચાલુ રાખી શકશે. સેન્ટ્રલ બેંકે કંપનીના ગોલ્ડ લોન વિતરણમાં કેટલીક સુપરવાઇઝરી ચિંતાઓ જોઈ હતી. લોન મંજૂર સમયે સોનાની શુદ્ધતા અને હરાજી દરમિયાન ડિફોલ્ટ જેવી ચિંતાઓ હતી. આ સિવાય, કંપની લોન ટુ વેલ્યુ રેશિયો, ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જ, કલેક્શન, ડિસ્બર્સલ વગેરે માટેના માનક ધોરણોનું પાલન કરતી ન હતી.