ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ સતત વધી ગયો છે. સરકાર તથા તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. અમદાવાદ મહાનગર પાલિકા કૂતરાઓના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાના ધૂમાડા કરી રહી છે, પરંતુ અમદાવાદની જનતા કૂતરાઓના ત્રાસથી ત્રસ્ત થઈ ગઈ છે. અમદાવાદમાં રખડતા કૂતરાઓને કારણે વાઘબકરી બ્રાન્ડના માલિક પરાગ દેસાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વાત નકારી રહ્યાં છે. અમદાવાદમાં વાઘ બકરી ગ્રુપના ડાયરેક્ટર પરાગ દેસાઈની પાછળ રખડતા કૂતરાઓ દોડ્યા હતા. આ દરમિયાન કૂતરાઓના ત્રાસને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા. ત્યારબાદ તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. ઉદ્યોગપતિના મોત બાદ અમદાવાદમાં રખડતાં કૂતરાઓ પર સવાલ ઉઠી રહ્યાં છે. હવે અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે. દેવાંગ દાણીએ કૂતરાઓના ત્રાસને કારણે પરાગ દેસાઈનું મોત થવાની વાત નકારી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હાથ અધ્ધર કરતા કહ્યું કે, પરાગ દેસાઈની પાછળ કૂતરું પડ્યું નહોતું. તેમણે કહ્યું કે, રખડતાં કૂતરાઓને કારણે પરાગ દેસાઈનો જીવ ગયો નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે સ્લીપ થઈ જવાને કારણે પરાગ દેસાઈનું નિધન થયું છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે પોતાનો કોઈ વાંક ન હોય તે સાબિત કરવા ઈચ્છે છે. એએમસી તંત્ર રખડતા કૂતરાઓ બાબતે હાથ અધ્ધર કરી રહ્યાં છે.
બીજીતરફ વાઘબકરી ગ્રુપના પરાગ દેસાઈને સારવાર માટે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. સેલ્બી હોસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં જણાવ્યું કે પરાગ દેસાઈને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં પણ સ્પષ્ટ કર્યું કે, પરાગ દેસાઈ પાછળ કૂતરાઓ પડ્યા હતા. મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું કે કૂતરાઓ પાછળ દોડવાને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા અને તેમને ઈજા પહોંચી હતી.
મેડિકલ બુલેટિનમાં તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરાગ દેસાઈને કૂરતું કરડ્યું નથી. પરંતુ કૂતરાઓ તેમની પાછળ પડ્યા હતા અને પરાગ દેસાઈ પડી ગયા હતા. સેલ્બી હોસ્પિટલે કહ્યું કે પરાગ દેસાઈને ૭૨ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના સંબંધીઓની રજૂઆતને આધારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં એક ખાસ ઉલ્લેખ પણ કર્યો છે. હોસ્પિટલે કહ્યું કે અમારી પાસે કૂતરાઓ કરડવાનાં ઘણા કેસ આવી રહ્યાં છે. જેમાં કેટલાક કેસ રખડતાં ઢોરને કારણે અકસ્માતના પણ આવે છે. એટલે અમદાવાદ પાલિકા ભલે આ વાત સ્વીકારવા તૈયાર ન હોય પરંતુ પરાગ દેસાઈનું મોત કૂતરાઓના ત્રાસને કારણે થયું છે.