ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ સામે બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ તેણે બોલિંગમાં કમાલ કરી હતી. જાડેજાએ ડાબા હાથની ઓર્થોડોક્સ સ્પિન બોલિંગ વડે ડચ ટીમના બે ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ દરમિયાન તેણે ૨૭ વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડીને એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી હતી. ભારતીય ટીમ આ મેચ ૧૬૦ રનથી જીતવામાં સફળ રહી હતી.
હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો ૧૫ નવેમ્બરે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રવિન્દ્ર જાડેજાએ નેધરલેન્ડના ઓપનર મેક્સ ઓ ડાઉડને બોલ્ડ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. આ પછી તેણે રોએલ્ફ વેન્ડર મર્વેને શમીના હાથે કેચ કરાવીને વિરોધી ટીમને આઠમો ઝટકો આપ્યો હતો. જાડેજા વિશ્વ કપની એક જ એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બની ગયો છે. તેણે દિગ્ગજ લેગ સ્પિનર ??અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે, જેણે ૨૭ વર્ષ પહેલા ૧૯૯૬ વર્લ્ડ કપમાં ૧૫ વિકેટ લીધી હતી. જાડેજાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩માં ૧૬ વિકેટ ઝડપી છે.
વર્લ્ડ કપમાં ભારતીય સ્પિનરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ યાદીમાં અનિલ કુંબલે હવે બીજા સ્થાને સરકી ગયો છે જ્યારે યુવરાજ સિંહ ૧૫ વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે કુલદીપ યાદવ અને મનીન્દર સિંહ સમાન ૧૪ વિકેટ સાથે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. કુલદીપે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ૧૪ વિકેટ ઝડપી છે જ્યારે ૧૯૮૭ના વર્લ્ડ કપમાં મનિન્દરે ૧૪ વિકેટ ઝડપી હતી. એક જ વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચ જીતવાના મામલે ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે. વર્તમાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અજેય છે. તેણે નેધરલેન્ડને હરાવીને સતત નવમી જીત નોંધાવી હતી. એક પણ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યા વિના સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૩ અને ૨૦૦૭ના વર્લ્ડ કપમાં સતત ૧૧ મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની બરાબરીથી માત્ર ૨ જીત દૂર છે. જાે ભારત સેમીફાઈનલ અને ફાઈનલ જીતશે તો તે ઓસ્ટ્રેલિયાના આ મહાન રેકોર્ડની બરાબરી કરશે.