Apple iPhone: નિર્માતા એપલે તેના અબજ ડોલરના ઇલેક્ટ્રિક કાર પ્રોજેક્ટને લઈને મોટી જાહેરાત કરી છે. કંપનીએ આ કાર પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કંપની ટેસ્લાને ટક્કર આપવા માટે આવનારા કેટલાક વર્ષોમાં પોતાનો પહેલો ઈલેક્ટ્રિક વ્હીકલ પ્રોજેક્ટ (EV પ્રોજેક્ટ) માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી હતી, પરંતુ હવે કંપનીએ પોતાનો કાર પ્રોડક્શન પ્રોજેક્ટ બંધ કરી દીધો છે. એટલું જ નહીં, કંપની આ પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓને પણ છટણી કરવા જઈ રહી છે.
27 ફેબ્રુઆરીના રોજ ચીફ ઓપરેટિંગ ઓફિસર જેફ વિલિયમ્સ અને વાઇસ પ્રેસિડેન્ટ કેવિન લિંચ દ્વારા આંતરિક રીતે જાહેર કરાયેલા નિર્ણયથી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓને આંચકો લાગ્યો હતો.
છટણીનો સંકેત
એપલે તેના ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) કાર પ્રોજેક્ટને કાયમી ધોરણે હોલ્ડ પર મૂક્યો હોવાના અહેવાલ છે. જેના કારણે આ ડિવિઝનમાં કામ કરતા સેંકડો કર્મચારીઓ પર છટણીનો ભય તોળાઈ રહ્યો છે કારણ કે પ્રોજેક્ટની તમામ કામગીરી બંધ થઈ ગઈ છે.
ટેકક્રંચના અહેવાલ મુજબ, કંપની સંભવતઃ ટીમમાંથી સેંકડો કર્મચારીઓની છટણી કરી રહી છે અને પ્રોજેક્ટ પરનું તમામ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. કેટલાક કર્મચારીઓને Appleના જનરેટિવ AI (GenAI) પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એપલ કાર પ્રોજેક્ટમાં અંદાજે 1,400 કર્મચારીઓ હતા.