પીએમ મોદીએ ૧૨ જાન્યુઆરીએ મુંબઈમાં અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું. નવી મુંબઈમાં આવેલો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે. જાેકે તેના ઉદઘાટન બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે અટલ સેતુ પર હાજર લોકો વાહન વ્યવહારના નિયમોની મજાક બનાવી રહ્યા છે.
આટલું જ નહીં અટલ સેતુ પર પાર્ક કરેલી સ્થિતિમાં ગાડીઓની લાઈન દેખાઈ રહી છે અને લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે. લોકોના આ વલણને જાેતાં સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ ભડક્યા હતા અને સવાલો ઊઠાવવા લાગ્યા હતા.
૨૧.૮ કિ.મી. લાંબુ અટલ સેતુ મુંબઈ અને નવી મુંબઈને જાેડે છે. પીએમ મોદીએ તેનું ઉદઘાટન કર્યું હતું. જેના બાદ તેને પ્રજા માટે ખોલી દેવાયું હતું. જાેકે આ દરમિયાન લોકોએ નિયમોની અવગણના કરતાં અટલ સેતુને પિકનિક સ્પૉટ બનાવી દીધું હતું. એક યુઝરે લખ્યું કે અટલ સેતુ પિકનિક સ્પોટ બની ગયો છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ ભયાનક દૃશ્ય છે. હજુ તો માંડ એક દિવસ થયો છે ઉદઘાટનને અને તેને એક પર્યટક સ્થળ બનાવી દેવાયું છે