ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોરગામે બજરંગદાસબાપા મિત્ર મંડળ ગૃપ દ્વારા તાજેતરમાં દિહોરગામેથી ઉત્તરાખંડના હરિદ્વારની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું, જે સંદર્ભે દિહોરથી નિકળેલ આ યાત્રાળુઓની બસને રાજસ્થાનના ભરતપૂર શહેરમાં વહેલી પરોઢીએ અકસ્માત નડતા ૧૨ યાત્રાળુઓના મોત થયા હતા અને ૧૨થી વધુ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હતી. ત્યારે આજે વધુ એક યાત્રીનું મોત થતા આંક ૧૩ પર પહોંચ્યા હતો.
ભાવનગર જિલ્લામાં શ્રાવણમાસ ગોઝારો નિવડ્યો છે આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા કેટલાક યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે સૌપ્રથમ ગંગોત્રીથી હરિદ્વાર આવી રહેલા ભાવનગરના યાત્રાળુઓની બસને અકસ્માત નડતા સાત યાત્રીઓએ પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટનાના ઠીક ૨૨ મા દિવસે તળાજા તાલુકાના દિહોરગામેથી હરિદ્વાર નીકળેલા ૫૭ યાત્રીકો સાથેની બસ રાજસ્થાનના ભરતપૂર શહેરથી મથુરા તરફ જઈ રહી હતી તે વેળાએ નેશનલ હાઈવે નં-૨૧ પર બસમાં ટેકનિકલ ફોલ્ટ આવતા બસ રોડ સાઈડમાં ઉભી રખી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
એ દરમ્યાન પાછળથી આવી રહેલ ટેન્કર ચાલકે બસને પાછળથી ટક્કર મારતા રોડ સાઈડમાં ઉભેલા તથા બસમાં સવાર કુલ ૧૨ યાત્રીકો જેમાં સાત મહિલા અને પાંચ પુરૂષો ના પ્રાણ ગયા હતા, આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે, જેમાં આજે વધુ એક યાત્રીનું સારવાર દરમ્યાન મોત થયું હતું, જેમાં દિહોર ગામ ખાતે આવેલ બજરંગદાસ બાપા આશ્રમના પૂજારી હરિભાઈ માવજીભાઈ જાદવ ઉ.મ.૭૭ એ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન આજે દમ તોડ્યો હતો. આમ, મૃત્યુઆંક વધી ને ૧૩ પર પહોંચ્યા હતો.