ભારતે પુરૂષ ક્રિકેટની પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારત ગોલ્ડ મેડલથી એક પગલું દૂર છે. ભારતે જીત માટે ૯૭ રનનો ટાર્ગેટ ૧ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત સારી રહી ન હતી. ક્વાર્ટર ફાઇનલમાં સદી ફટકારનાર ઓપનર યશસ્વી જયસ્વાલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જાે કે, કેપ્ટન રુતુરાજ ગાયકવાડે તિલક વર્મા સાથે મળીને ભારતીય દાવને સંભાળ્યો એટલું જ નહીં પણ શાનદાર બેટિંગ પણ કરી. બંનેએ પ્રથમ ૩ ઓવરમાં સ્કોરને ૩૫ રનથી આગળ કરી દીધો હતો અને તે પછી પણ બંને રોકાયા નહોતા અને ૧૦મી ઓવરમાં જ ભારતને જીત અપાવી હતી. તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી.
તેણે આ માટે ૨૫ બોલનો સામનો કરીને એક સિક્સર વડે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. તો બીજી તરફ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ૮ ઓક્ટોબરથી વર્લ્ડ કપ ૨૦૨૩માં પોતાના મિશનની શરૂઆત કરવા જઈ રહી છે. ચેન્નાઈમાં રમાનાર મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. તાજેતરમાં જ ઘરઆંગણે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને ૨-૧થી હરાવ્યું હતું. તેમાં શુભમન ગિલ મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો અને શાનદાર પરફોર્મ કરી બતાવ્યું હતું. પરંતુ મેચ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ સમાચારનાં કારણે ટીમનાં ખેલાડીઓ સહિત સ્ટાફ ચિંતામાં મુકાઇ ગયા છે. ટીમનો ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો છે અને તેના માટે કાંગારુ ટીમ સામે ભારતની પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. ટીમ મેનેજમેન્ટ ગિલ પર નજર રાખી રહ્યું છે અને તેના રમવા અંગેનો ર્નિણય શુક્રવારે બીજા એક ટેસ્ટ બાદ લેવામાં આવશે.