Haldiram

Haldiram-Blackstone Deal: જો આ ડીલ હલ્દીરામ અને બ્લેકસ્ટોન વચ્ચે થાય છે, તો તે ભારતીય કંપનીમાં કોઈપણ ખાનગી ઈક્વિટી ફર્મ દ્વારા સૌથી મોટું રોકાણ હશે.

Blackstone-Haldiram Update: પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ બ્લેકસ્ટોન નમકીન ભુજિયા અને સ્નેક્સ સાથે સંબંધિત દેશની સૌથી મોટી FMCG કંપની હલ્દીરામમાં મોટો હિસ્સો ખરીદી શકે છે. જો આ ખરીદી માટેની ડીલ ફાઈનલ થઈ જાય તો હલ્દીરામને રૂ. 70,000 કરોડનું વેલ્યુએશન મળી શકે છે. બ્લેકસ્ટોન અને તેના કોન્સોર્ટિયમ પાર્ટનર્સ અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપોર GIC આ ડીલ અંગે દિલ્હી અને નાગપુર બંનેમાં લાંબા સમયથી હલ્દીરામના પ્રમોટર્સ અગ્રવાલ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. અગાઉ મોંઘા વેલ્યુએશનને કારણે વાટાઘાટો અટવાઈ ગઈ હતી પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહમાં ડીલને લઈને ફરી વાતચીત શરૂ થઈ છે.

આ સમાચાર મનીકંટ્રોલને ટાંકીને સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર બ્લેકસ્ટોનનું કન્સોર્ટિયમ હલ્દીરામમાં 76 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલમાં સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હલ્દીરામના મૂલ્યાંકનને લઈને અગ્રવાલ પરિવારના સભ્યો સાથે વાતચીતના ઘણા રાઉન્ડ થયા છે. અગ્રવાલ પરિવાર બ્લેકસ્ટોન કન્સોર્ટિયમને હલ્દીરામનો 76 ટકા હિસ્સો વેચવા માંગતો નથી. કારણ કે પરિવારના સભ્યો બિઝનેસમાં પોતાનો વધુ હિસ્સો જાળવી રાખવા માંગે છે. પરિવારના કેટલાક સભ્યો માત્ર 51 ટકા હિસ્સો વેચવા માગે છે, પરંતુ વર્તમાન રાઉન્ડની વાતચીતમાં 74 ટકા હિસ્સો વેચવા માટે કરાર થઈ શકે છે.

જો બ્લેકસ્ટોન સાથે હલ્દીરામનો સોદો થશે તો તે ભારતના ઈતિહાસમાં સૌથી મોટો ખાનગી ઈક્વિટી સોદો હશે. જો કે, અહેવાલમાં જણાવાયું છે કે બ્લેકસ્ટોન સાથેની વાતચીત તૂટી શકે છે કારણ કે હલ્દીરામના પ્રમોટરો પણ આઈપીઓ દ્વારા હિસ્સો વેચવાનું વિચારી શકે છે. દિલ્હી અને નાગપુર સ્થિત અગ્રવાલ પરિવારો તેમના FMCG વ્યવસાયોને મર્જ કરવાની પ્રક્રિયા પર કામ કરી રહ્યા છે. હલ્દીરામ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને હલ્દીરામ ફૂડ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડને હલ્દીરામ સ્નેક્સ ફૂડ પ્રાઈવેટ લિમિટેડમાં મર્જ કરવામાં આવી રહી છે. નવી કંપનીમાં દિલ્હી શાખા 56 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે નાગપુર શાખા 44 ટકા હિસ્સો ધરાવે છે. મર્જરને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

ગયા મહિને બ્લૂમબર્ગને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત થયો હતો કે અગ્રવાલ પરિવાર પણ તેના બિઝનેસનો IPO લાવવાનું વિચારી રહ્યું છે. પ્રમોટર્સ $12 બિલિયનનું વેલ્યુએશન ઇચ્છે છે પરંતુ પ્રાઇવેટ ઇક્વિટી પાર્ટનર્સ $8 થી $8.5 બિલિયન કરતાં વધુ વેલ્યુએશન આપવા તૈયાર નથી.

Share.
Exit mobile version