આ વખતે વન-ડેવર્લ્ડકપ ભારતમાં યોજવાનો છે. એવામાં ક્રિકેટરસ્યાઓ કેટલા સમયથી મેચોની ટિકિટ બુકિંગની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. એવામાં આ તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આજે ખુશીના સસમાચાર મળી રહ્યા છે. વન-ડેવર્લ્ડકપની ટિકિટની રાહ આજે પૂરી થવા જઈ રહી છે. ચાહકો થોડા કલાકો પછી ટિકિટ બુક કરી શકશે. ભારતમાં ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર દરમિયાન વર્લ્ડ કપની મેચો રમાવાની છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે થવાની છે. ૨૫ ઓગસ્ટથી, ભારત સિવાય, ટુર્નામેન્ટમાં પ્રવેશી રહેલી અન્ય ૯ ટીમોની વોર્મ-અપ મેચોની ટિકિટો અને આ ૯ ટીમોની વર્લ્ડ કપ મેચોની ટિકિટ ઉપલબ્ધ થશે. ચાહકો રાત્રે ૮ વાગ્યાથી ટિકિટ બુક કરાવી શકશે. સૌથી સસ્તી ટિકિટ ૪૯૯ રૂપિયા છે. ચાહકો ૩૦ ઓગસ્ટથી ટીમ ઈન્ડિયાની મેચ માટે ટિકિટ બુક કરી શકશે.
આઈસીસીએ તેમના પ્રશંસકોને ટિકિટની સતત માહિતી માટે વેબસાઇટ https://www.cricketworldcup.com/register પર જઈને રજીસ્ટ્રેશન કરવા કહ્યું હતું. અહીંથી તેઓ ટિકિટ વિશે માહિતી મેળવતા રહેશે. સૌ પ્રથમ તેઓએ રજિસ્ટર્ડ મેઈલ આઈડી દાખલ કરવાનું રહેશે અને લોગીન કર્યા પછી જ તેઓ ટિકિટ બુક કરી શકશે.
બુકિંગ કર્યા પછી, ચાહકો તેને પસંદ કરેલ કેન્દ્ર અથવા કુરિયર દ્વારા મેળવી શકે છે. કુરિયર ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. વર્લ્ડ કપની વાત કરીએ તો લખનઉમાં સૌથી સસ્તી ટિકિટ ૪૯૯ રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે અમદાવાદમાં ૫૦૦, હૈદરાબાદ ૬૦૦, કોલકાતા ૬૫૦, દિલ્હી ૭૫૦, બેંગલુરુ ૭૫૦, ચેન્નાઈ ૧૦૦૦, મુંબઈ ૧૦૦૦, ધર્મશાલા ૧૦૦૦ અને પૂણેમાં સૌથી સસ્તી ટિકિટ ૧૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. ૧૨ ઓક્ટોબરે લખનઉમાં રમાનાર દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા મેચની સૌથી મોંઘી ટિકિટ ૧,૫૦૦ રૂપિયા છે. તે જ સમયે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ઓપનિંગ મેચની સૌથી મોંઘી ટિકિટ ૬૦૦૦ રૂપિયા છે.બીસીસીઆઈદ્વારા વર્લ્ડ કપ મેચો માટે કુલ ૧૨ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. મુખ્ય મેચો ૧૦ સ્થળોએ જ્યારે વોર્મ-અપ મેચો ૨ પર યોજાવાની છે.
વોર્મ અપ મેચ માટે ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની મેચની ટિકિટ ૩૦ ઓગસ્ટ, ૩૧ ઓગસ્ટ, ૧ સપ્ટેમ્બર, ૨ અને ૩ સપ્ટેમ્બરથી અલગ-અલગ તબક્કામાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, ચાહકો ૧૫ સપ્ટેમ્બરથી સેમિફાઇનલ અને ફાઇનલ માટે ટિકિટ બુક કરી શકશે.