Border Gavaskar Trophy: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે મંગળવારે 2024-25નું ઉનાળાનું શેડ્યૂલ જાહેર કર્યું. કાંગારૂ મેન્સ ટીમ આ વર્ષના અંતમાં પાકિસ્તાન સામે ODI સીરીઝ-T20 સીરીઝ અને ભારત સામે 5 ટેસ્ટની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)ના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા, સામાન્ય રીતે BGTમાં બંને ટીમો વચ્ચે 4 મેચ રમાતી હતી.
ભારતીય ટીમ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા જશે.
આ શ્રેણી માટે ભારતીય ટીમ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. BGT 2024-2025ની પ્રથમ ટેસ્ટ 22 થી 26 નવેમ્બર દરમિયાન પર્થમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 6 થી 10 ડિસેમ્બર દરમિયાન એડિલેડમાં રમાશે. આ મેચ ડે-નાઈટ મેચ હશે. ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં બંને ટીમો બ્રિસ્બેનમાં ટકરાશે. આ મેચ 14 થી 18 ડિસેમ્બર વચ્ચે રમાશે. શ્રેણીની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં 26 થી 30 ડિસેમ્બર દરમિયાન રમાશે. ઉપરાંત, BGTની છેલ્લી ટેસ્ટ સિડનીમાં 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-2025 શેડ્યૂલ.
પ્રથમ ટેસ્ટઃ 22-26 નવેમ્બર, પર્થ
બીજી ટેસ્ટ: 6-10 ડિસેમ્બર, એડિલેડ (ડે-નાઈટ)
ત્રીજી ટેસ્ટ: 14-18 ડિસેમ્બર, બ્રિસ્બેન (ગાબ્બા)
ચોથી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર, મેલબોર્ન
પાંચમી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી, સિડની
ઓસ્ટ્રેલિયા ને ઘરઆંગણે હરાવવું સરળ નથી.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 16 વખત રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 10 વખત અને કાંગારૂ ટીમે 5 વખત ટ્રોફી જીતી છે. 2003-04માં રમાયેલી ટ્રોફી 1-1થી ડ્રો રહી હતી. ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે અત્યાર સુધીમાં 7 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચુકી છે. આ દરમિયાન કાંગારૂ ટીમ 4 વખત અને ભારત 2 વખત જીત્યું છે. 1 શ્રેણી પણ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ માટે કાંગારૂઓને તેમના ઘરે હરાવવું સરળ નથી. જો કે, સારી વાત એ છે કે ભારતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી 2 BGT શ્રેણી (2018/19, 2020/21) જીતી છે. જ્યારે BGT 2022/23 ભારતમાં રમાઈ હતી અને ભારતે તેને 2-1 થી જીતી હતી.
છેલ્લી 5 BGT ટ્રોફી
2014/15: ઓસ્ટ્રેલિયા જીત્યું (2-0) – ઓસ્ટ્રેલિયામાં
2016/17: ભારત જીત્યું (2-1) – ભારતમાં
2018/19: ભારત ઓસ્ટ્રેલિયામાં (2-1) જીત્યું
2020/21: ભારત ઓસ્ટ્રેલિયામાં (2-1) જીત્યું
2022/23: ભારત જીત્યું (2-1) – ભારતમાં