કિરણ પટેલની ચર્ચા સમી નથી ત્યાં પીએમઓનો નકલી અધિકારી બનીને બીજા ગુજરાતીએ ઠગાઇ કરી છે. વડોદરાના મયંક તિવારી સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સીબીઆઈએ મયંક તિવારીનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. મયંક પરશુરામ તિવારીએ ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લિમીટેડ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ઇન્દોરમાં આંખની હોસ્પિટલ શરૂ કરવા માટે રોકાણ કરેલા ૧૬ કરોડથી વધુ રૂપિયા પરત ન આપ્યા ન હતા. આ ઉપરાંત તે પીએમઓના નામે ધમકીઓ આપતો હતો. આ અંગે દિલ્હી સીબીઆઈએ વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, મયંક તિવારી વિનાયક આંખની હોસ્પિટલના ડો. પ્રણયની તરફેણમાં રૂ.૧૬.૪૩ કરોડના વિવાદનું સમાધાન કરવા ડો.અગ્રવાલ આંખની હોસ્પિટલના એમડી ડો.અગ્રવાલને ધમકી આપી રહ્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમણે, ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લીમીટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં ૧૦૦થી વધુ આંખની હોસ્પિટલ છે. આ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી મયંક તિવારીએ ડો. પ્રણય કુમાર સિંહ અને ડો. સોનુ વર્મા વતી ડો. અગ્રવાલને “મામલો પતાવવા” માટે ઘણા મેસેજ મોકલ્યા હતા. નકલી PMO અધિકારી બનીને ડો. અગ્રવાલ આંખની હોસ્પિટલના CEO ને મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે, મેં તમને પરસ્પર સંમતિથી મામલો ઉકેલવા વિનંતી કરી હતી અને તે તમારા પર ર્નિભર છે કે તમે આ મામલાને કેવી રીતે હેન્ડલ કરો છો. પીએમઓએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તિવારીએ પોતાને પીએમઓમાં સરકારી સલાહકારોના ડિરેક્ટર તરીકે ગણાવ્યા હતા. અને તે આ આધારે કેટલાક લોકોને ધમકાવતો હતો.

પીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે, આ નામનો કોઈ વ્યક્તિ પીએમઓમાં કામ નથી કરી રહ્યો. ડો. અગ્રવાલની ભારત અને વિદેશમાં ૧૦૦ થી વધુ આંખની હોસ્પિટલ છે. ડો. અગ્રવાલે વિનાયક આઈ હોસ્પિટલ, ઈન્દોરના એમડી ડો. પ્રણય અને અન્યો સાથે વેપારી સોદો કર્યો હતો. પરંતુ બાદમાં આ કરારનો અમલ થયો ન હતો અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પછી ટ્રિબ્યુનલે ડો. પ્રણયને ડો. અગ્રવાલને આખી રકમ પરત કરવા કહ્યું હતું. પરંતુ પૈસા આપવાને બદલે તે મયંક તિવારીની આડમાં ડો.અગ્રવાલને ધમકાવી રહ્યો હતો. નોંધનીય છે કે, આ પહેલા અમદાવાદનો કિરણ પટેલ મોટો અધિકારી હોવાનું જણાવીને અને પોતે રાજકીય વગ ધરાવે છે તેવી ખોટી ઓળખાણ આપીને તથા દેખાવો ઉભો કરીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો.

કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરિટી મેળવી હતી તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે. કિરણ પોતે કમ્પ્યુટર એન્જિનિયર હોવાનું જણાવતો હતો. તે પોતે એડ કંપનીમાં કામ કરતો હોવાની વિગતો પણ આપી હતી. કિરણ પટેલે પ્રાથમિક તપાસમાં વિદેશમાં નોકરી કરી હોવાનું પણ જણાવ્યું છે. જાેકે, આ અંગે તપાસ કરવામાં આવશે તેમ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતુ. કિરણે ક્રાઈમ બ્રાન્ચ સામે રોફ માર્યો હતો કે, કેમ તે સવાલના જવાબમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે, કિરણ પટેલે અત્યાર સુધી (ક્રાઈમ બ્રાન્ચ સામે રોફ) માર્યો નથી અને મને નથી લાગતું કે કોઈની હિંમત છે કે ક્રાઈમ બ્રાન્ચ આવીને રોફ મારે..

Share.
Exit mobile version