ઈન્ડિયન પ્રીમિયર લીગના ૨૦૨૨ના એડિશનમાં જ્યારે બે નવી ટીમ ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્‌સની એન્ટ્રી થઈ ત્યારે મેગા ઓક્શન થયું હતું. આ દરમિયાન મોટાભાગની દરેક ટીમમાં મોટો ફેરફાર જાેવા મળ્યો હતો. કેટલીક ફ્રેન્યાઈઝીએ પોતાના સ્ક્વોડમાં નવા ખેલાડીને લીધા હતા અને જૂનાને જતા કર્યા હતા. ક્રિકેટપ્રેમીઓને સૌથી વધારે આશ્ચર્ય તો ત્યારે થયું હતું ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલના રિટેન કર્યો નહોતો. જે બાદથી તે છેલ્લી બે સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ અંગે ખેલાડીનું દુઃખ છલકાયું હતું અને આરસીબીએ એકવાર પણ ફોન કરીને ર્નિણય વિશે સ્પષ્ટતા ન કરી હોવાનું તેને ખરાબ લાગ્યું હોવાનું કહ્યું હતું.

યૂટ્યૂબર રણવીર અલહાબાદિયાના પોડકાસ્ટમાં યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે ‘મને ખરેખર દુઃખ થયું હતું. મારી સફર આરસીબી સાથે શરૂ થઈ હતી. મેં તેમની સાથે આઠ વર્ષ પસાર કર્યા હતા. આરબીસીએ મને તક આપી હતી અને તેના કારણે જ મને ઈન્ડિયાની કેપ મળી હતી. પહેલી મેચથી જ વિરાટ ભાઈએ મારા પર વિશ્વાસ રાખ્યો હતો. જ્યારે તમે આઠ વર્ષ સુધી એક ટીમમાં રહો છો ત્યારે તે પરિવાર બની જાય છે તેથી કાઢી નાખવામાં આવે તો દુઃખ થાય છે’. ચહલે આગળ કહ્યું હતું કે ‘ઘણી અફવા આવી હતી, જેમ કે મેં મોટી રકમ માગી હતી. તે સમયે મેં સ્પષ્ટ કર્યું હતું કે, એવું કંઈ નહોતું. હું જાણું છું કે, હું કઈ વસ્તુને હકદાર છું. કોઈ પ્રકારનું કોમ્યુનિકેશન થયું નહોતું. વાત તો કરવી જાેઈતી હતી. હું આરસીબી માટે ૧૧૪ મેચ રમ્યો છું. ઓક્શમાં મને વચન આપવામાં આવ્યું હતું કે, તેઓ મારા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. મેં કહ્યું હતું, ઠીક છે. જ્યારે સિલેક્ટ ન કરવામાં આવ્યો ત્યારે મને ઘણો ગુસ્સો આવ્યો હતો. મેં આઠ વર્ષ આપ્યા છે. ચિન્નાસ્વામી મારું ફેવરિટ મેદાન હતું. મેં આરસીબીના કોચિંગ સ્ટાફ સાથે કોઈ વાત નથી કરી’.

ચહલ ૧૮૭ વિકેટ સાથે આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે અને તેણે સ્વીકાર્યું હતું કે, રાજસ્થાન રોયલ્સમાં ગયા બાદ એક બોલર તરીકે તેનામાં સુધારો આવ્યો કારણ કે તેણે ડેથ ઓવરોમાં બોલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ‘મને અહેસાસ છે કે ઓક્શન એક અણધારી જગ્યા છે. તેથી, મેં તથ્ય સાથે સમજૂતી કરી હતી કે જે થાય છે તે સારા માટે થાય છે. રાજસ્થાન રોયલ્સમાં મેં ડેથ ઓવરોમાં બોલિંગ કરવાનું શરૂ કર્યું છે. આરસીબીમાં ઘણીવાર મારો કોટા ૧૬ ઓવર પહેલા પૂરો થઈ જતો હતો. તેથી, મને લાગે છે કે આરઆરમાં એક ક્રિકેટર તરીકે પણ વિકસિત થયો છું. તેથી જે કંઈ થયું સારા માટે થયું’.

Share.
Exit mobile version