રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઈકાલે બે બાઈકના અકસ્માત થયા બાદ બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં એક ચોક્કસ સમુદાયના યુવકનું મોત થયુ હતું. આ ઘટના બાદ આજે સાંપ્રદાયિક હિંસા ભડકી હતી, જેના પગલે મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
ગઈકાલે બે બાઈક વચ્ચેની ટક્કર સુભાષ ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અકસ્માતની ઘટના સાંપ્રદાયિક હિંસામાં પરિવર્તિત થઈ હતી. બે જૂથો વચ્ચે આજે પણ શહેરમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું અને ઘટનાને પગલે આજે બજારો બંધ રાખવામાં આવી હતી. જાે કે હજારો લોકો આજે રસ્તા પર ઉતરી જતા પરિસ્થિતિ વણસતી જાેઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે. લાંબી ચર્ચા બાદ પીડિત પરિવારને ૫૦ લાખની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને કોન્ટ્રાક્ટ નોકરી આપવા સંમત થયા હતા. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરી છે. હાલ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
ગઈકાલે રાજસ્થનાની રાજધાની જયપુરમાં સુભાષ ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાઈકોની જાેરદાર ટક્કર બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં ઝઘડો કરી રહેલા યુવકે તેને રોકવા આવેલા લોકોને અપશબ્દો કહેતા મામલો બિચક્યો હતો. આ પછી ઝઘડો કરતા યુવક પર બીજા જૂથે હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર કારગત નિવડે તે પહેલા જ મોત નિપજ્યું હતું.