ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. રાજ્યના પાડોશી રાજ્ય રાજસ્થાન સરહદથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. જાેકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરષ્ટ્રમાં થન્ડર સ્ટ્રોમ પણ થઇ શકે છે. જેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે બપોરે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતમાં પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી હતી. જેમા તેમણે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના છે.
તો જાેઇએ આજથી ચાર દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, ભેજના કારણે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ રચાયો છે. હાલ ગુજરાતને ભારે વરસાદ આપી શકે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ રાજ્યમાં હાલ ભેજને કારણે વરસાદ થઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં સારોવરસાદ પડી શકે છે. સુરત અને ભરૂચમાં પણ સારા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ થઈ શકે છે. તો અમદાવાદમાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને ૨૭મીએ નર્મદા, તાપી જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. ૨૮ સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. જ્યાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાતા વાતાવરણના વરસાદી માહોલ વચ્ચે ક્યાં મુશળધાર તો ક્યાંય હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા હતા. જાેકે બે દિવસ બદલતા વાતાવરણથી ખેડૂતો ફાયદો થશે કે નુકશાન? કારણ કે ગીરમાં અનેક ખેડૂતોએ આગોતરી મગફળીનું વાવેતર કર્યું છે જે હવે લણવાની તૈયારીમાં છે.
અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સીઝનમાં ખેડૂતોએ કુલ ૧.૮૦ લાખ હેકટર જમીન પૈકી બીજા ક્રમે કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ સમયસર વરસાદનો અભાવ અને સતત વાદળછાયા વાતાવરણને પગલે પાકમાં સુકારાનો રોગ આવતા કપાસનો પાક હવે નષ્ટ થવાના આરે છે. ચાલુ સાલે મોંઘાભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું હતું પણ રોગના કારણે આ આશા ઠગારી નીવડે તેવી સ્થિતિ હાલ જાેવા મળી રહી છે જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.