લાંબા સમયના વિરામ બાદ દીપિકા કક્કર આખરે ફરીથી વ્લોગિંગ તરફ પાછી ફરી છે. લેટેસ્ટ વ્લોગમાં તેણે તે કેવી રીતે નાનકડા દીકરાના રુટિનને એડજસ્ટ કરવામાં વ્યસ્ત છે તેના વિશે વાત કરી હતી, આ સાથે જ તેઓ નણંદ સબાના ઘરેથી પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મને કંઈક શૂટ કરવાનો ભાગ્યે જ ટાઈમ મળી રહ્યો છે, કારણ કે હું રુહાનનું ધ્યાન રાખવામાં વ્યસ્ત છું. આ સિવાય તેનું ફીડિંગ, બાથિંગ, સ્લીપિંગ અને રમવાનો સમય મને વ્યસ્ત રાખી રહ્યો છે. પરંતુ હું આ તબક્કાને એન્જાેય કરી રહી છું. દરેક ન્યૂ મોમને આ ઊંઘ્યા વગરની રાતો અને વ્યસ્ત સમય ગમતો હશે. મને ખાતરી છે કે જે મમ્મીઓને આ અનુભવ થયો છે તેઓ ચોક્કસથી મારી વાત સાથે પોતાને કનેક્ટ કરી શકતી હશે’. દીપિકા કક્કરે જણાવ્યું હતું કે, તેણે તેના દીકરા રુહાનના શિડ્યૂલના આધારે ઊંઘવાનો સમય બદલી નાખ્યો છે. જ્યારે રુહાન ઊંઘે છે ત્યારે તે પણ સાથે ઊંઘી જાય છે. તેણે ઉમેર્યું હતું કે ‘રુહાન સૂવે તરત હું ઊંઘી જાઉ છું અને તેના ઉઠવાના સાથે જાગુ છું. તેનું ધ્યાન રાખવાનું હોવાથી બાકીના સમયમાં સૂવા મળતું નથી’. દીપિકાએ જણાવ્યું હતું કે, રેહાન, સાસુ કે પછી મમ્મી જ્યારે રુહાનને રમાડે છે ત્યારે તેને નાસ્તા કે જમવાનો સમય મળે છે.
દીપિકાના કહેવા પ્રમાણે, તેનું શિ઼ડ્યૂલ એટલું વ્યસ્ત છે કે તેને વાળ ધોવાનો પણ સમય નથી. ‘બે દિવસ પહેલા મેં વાળમાં તેલ નાખ્યું હતું, પરંતુ મારે ઝડપથી નહાવું પડતું હોવાથી વાળ ધોવાનો સમય નથી. આજે તે બે કલાક ઊંઘી રહ્યો તેથી મેં સરખી રીતે નહાવા અને વાળ ધોવાનો સમય કાઢી લીધો’, તેમ તેણે ઉમેર્યું હતું. રુહાનને સંભાળવામાં સાસુ અને મમ્મી દીકરા ખૂબ મદદ કરતા હોવાનું દીપિકા કક્કરે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મારા મમ્મી અથવા અમમ્મી રુહાનનું ધ્યાન રાખે છે, જેથી ઝડપથી હું મારું કામ કરી શકું. જ્યારે તે ઊંઘી જાય છે ત્યારે હું તેમને ઝડપથી મારા માટે નાસ્તો બનાવવા માટે કહું છું, જેથી હું આરામથી ખાઈ શકું. તેઓ મને રુહાનથી શક્ય એટલી ફ્રી રાખવાનો પ્રયાસ કરે છે તેથી મને પણ આરામ કરવાનો સમય મળે’. દીપિકા-શોએબ અને રુહાન તેમના ઘરમાં શિફ્ટ થઈ ગયા છે, પરંતુ વસ્તુઓ હજી પણ વેરવિખેર પડી છે અને કેટલીક વસ્તુઓને બોક્સમાંથી કાઢવાનો સમય નથી. આ સિવાય રુહાન માટે પણ પ્લેઈંગ ચેર, સ્ટ્રોલર અને કેટલીક વસ્તુઓ ખરીદી રાખી છે, પરંતુ સમય જતાં તે વસ્તુઓને તેમાંથી કાઢશે. આ સિવાય નણંદ અને ફ્રેન્ડ પાસેથી કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં મળી છે, જેનો તે ધીમે-ધીમે ઉપયોગ કરશે. જણાવી દઈએ કે, દીપિકા કક્કરના દીકરા રુહાનનો જન્મ ૨૧ જૂનના રોજ થયો હતો. આ તેનું પહેલું સંતાન છે.