એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ હરિયાણાના ચર્ચિત ધારાસભ્ય ગોપાલ કાંડા પર દરોડા પાડ્યા છે. ઈડીની ટીમો સવારે ૬ વાગ્યે તેમના ગુરુગ્રામના ઘરે અને એરલાઈન્સ કંપની એમડીએલઆર ઓફિસે પહોંચી હતી. જ્યાં કડક સુરક્ષા વચ્ચે તેના સ્થાને દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઈડીએ પીએમએલએ હેઠળ એમડીએલઆર ગ્રુપની ઓફિસો અને કાંડાના ઘર પર રેડ પાડી છે. કાંડા એમડીએલઆરના પ્રમોટર હતા. ગોપાલ કાંડા હરિયાણા લોકહિત પાર્ટીના મુખિયા છે. તેઓ સિરસાના ધારાસભ્ય છે. તેઓ હરિયાણાની ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી રહ્યા છે. તેમના ભાઈ ગોવિંદ કાંડા ભાજપમાં છે. થોડા દિવસો પહેલા જ પ્રખ્યાત ગીતિકા એરહોસ્ટેસ આત્મહત્યા કેસમાં કાંડાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેમણે દિલ્હી જઈને સીએમ મનોહર લાલ સાથે મુલાકાત કરી હતી. આ પછી અટકળો લગાવવામાં આવી રહી હતી કે,

કાંડાને હરિયાણા સરકારમાં મંત્રી પદ મળી શકે છે. કાંડા પોતે આમાં રસ ધરાવતા હોવાનું કહેવાય છે પરંતુ હવે અચાનક કેન્દ્રીય એજન્સી ઈડીએ દરોડા પાડ્યા છે. હાલમાં આ દરોડા અંગે કાંડા અથવા ઈડી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
હરિયાણાના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને ધારાસભ્ય ગોપાલ કાંડા કરોડપતિ છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટ પ્રમાણે કાંડા પાસે લગભગ ૭૦ કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. તેમણે સિરસામાં લગભગ અઢી એકરમાં પોતાનો મહેલ બનાવ્યો છે જેની અંદર હેલિકોપ્ટર લેન્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ મહેલની કિંમત કરોડોમાં છે. ગોપાલ કાંડાના પિતા મુરલીધર કાંડા આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. સામાન્ય પરિવારમાં જન્મેલા ગોપાલ કાંડાએ દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

Share.
Exit mobile version