ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનર એલેક્સ હેલ્સે ચોંકાવનારો ર્નિણય લીધો છે. ૩૪ વર્ષની ઉંમરે એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. એલેક્સ હેલ્સનું આંતરરાષ્ટ્રીય કરિયર વધુ લાંબુ રહ્યું નથી. પરંતુ પાછલા વર્ષે તેણે શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડને ટી૨૦ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
એલેક્સ હેલ્સે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યા વિશે જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આપી છે. ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટમાં હેલ્સે લખ્યુ કે, હું તમને બધાને જણાવવા ઈચ્છુ છું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો ર્નિણય લીધો છે. દેશ માટે ત્રણેય ફોર્મેટમાં મળીને ૧૫૬ મેચ રમવી મારા માટે ગર્વની વાત છે.પોતાની પોસ્ટમાં હેલ્સે લખ્યુ કે મેં આ દરમિયાન કેટલીક યાદો અને મિત્રો બનાવ્યા જે મારી સાથે આજીવન રહેશે. મને હવે લાગે છે કે સમય આવી ગયો કે અહીંથી આગળ વધવુ જાેઈએ અને આ કારણે મેં સંન્યાસની જાહેરાત કરી છે.
વર્ષ ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી૨૦ વિશ્વકપમાં એલેક્સ હેલ્સે ઈંગ્લેન્ડને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેલ્સે ઈંગ્લેન્ડ માટે ૧૧ ટેસ્ટ, ૭૦ વનડે અને ૭૫ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન હેલ્સના નામે ટેસ્ટમાં ૫૭૩ રન અને ૫ અડધી સદી છે. તો વનડેમાં ૨૪૧૯ રનની સાથે ૬ સદી અને ૧૪ અડધી સદી છે. હેલ્સે ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૨૦૭૪ રન બનાવવાની સાથે ૧ સદી અને ૧૨ અડધી સદી ફટકારી છે.