EPFO
EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) એ ભવિષ્ય નિધિ દાવાની પતાવટના મામલે ઇતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે જે એક રેકોર્ડ છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પહેલી વાર 5 કરોડથી વધુ દાવાઓનો નિકાલ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં, EPFO એ 2,05,932.49 કરોડ રૂપિયાના 5.08 કરોડ દાવાઓનું સમાધાન કર્યું છે જે 2023-24ના 1,82,838.28 કરોડ રૂપિયાના 4.45 કરોડ દાવાઓ કરતાં ઘણું વધારે છે. શ્રમ મંત્રીએ કહ્યું કે, EPFO દ્વારા આ સિદ્ધિ દાવાની પતાવટ પ્રક્રિયા અને ફરિયાદોના નિવારણમાં લેવામાં આવેલા પરિવર્તનશીલ સુધારાઓને કારણે શક્ય બની છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે ઓટો સેટલમેન્ટ દાવાઓની મર્યાદા અને શ્રેણી વધારવા, સભ્ય પ્રોફાઇલમાં ફેરફારોને સરળ બનાવવા, પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને KYC પાલન ગુણોત્તરમાં સુધારો કરવા જેવા પગલાં લીધાં છે. આ સુધારાઓને કારણે, EPFO ની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે.