જયારથી સીએમ ભૂપેન્દ્ર પટેલ નુ સૌથી નાનુ મંત્રી મંડળ બન્યું છે ત્યારથી ભાજપના બાકીના ધારાસભ્યોને વિસ્તરણની આશા છે. જ્યારે જ્યારે સીએમ દિલ્હીની મુલાકાત લે અથવા તો પીએમ મોદી કે અમિત શાહ ગુજરાત વિઝિટ કરે છે ત્યારે ત્યારે મંત્રી મંડળ વિસ્તરણની વાતો જાેર પકડે છે. ભાજપના દર બીજાે ધારાસભ્ય અન્યોને વિસ્તરણ મુદ્દે પૂછતો જાેવા મળે છે, લોબિંગ કરતો જાેવા મળે છે. સૌથી વધુ આશાવાદ એક સમયે વિવિધ આંદોલનો થકી ગુજરાતને ધમરોળી નાંખનાર અને બાદમાં ભાજપનો ભગવો ધારણ કરનાર ધારાસભ્યોમાં છે. જેઓ પોતાને કેન્દ્રના ટોચના નેતૃત્વના વફાદાર અને નજીકનાં માને છે. તેઓનો આશાવાદ તો વળી ચરમ સીમાએ છે. જાેકે આ તમામના સપના ભાંગીને ભૂક્કા થઇ જાય તેવા સમાચાર એ છે કે મંત્રી મંડળનું વિસ્તરણ હમણાં દૂર દૂર સુધી ક્યાંય નથી. ટોચના સૂત્રોનું માનીએ તો, લોકસભાની ચૂંટણી પહેલા હમણા વિસ્તરણનાં કોઇ આસાર નથી. પીએમ મોદી તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન જેમ નાના કદના મંત્રી મંડળથી ચલાવતા હતા તેવી જ રીતે તેઓ હાલ પણ લિમિટેડ મંત્રી મંડળ સાથે જ ગુજરાત સરકાર ચાલે તેમ ઇચ્છી રહ્યા છે.
સીએમ દિલ્હી જઇને પીએમ સાથે કલાકોની બેઠકો કરે કે અમિતભાઇ અમદાવાદ આવીને કલાકોની બેઠકો કરે- એકેય બેઠકો પાછળનો હેતુ વિસ્તરણ તો નથી જ. રાજકુમાર બેનીવાલને જયારથી ગુજરાત મેરી ટાઇમ બોર્ડના ડિરેકટર બનાવાયા છે ત્યારથી તેઓ કંઇક નવું કરવાના પ્રયાસમાં જણાઇ રહ્યા છે. હજુ ગયા અઠવાડિયે જ બેલ્જિયમની યાત્રાએ જઇ આવેલા રાજકુમાર બેનીવાલ – યુરોપિયન સંઘના પ્રતિનિધિઓ સાથે તેમની જહાજ નિતીમા પરિવર્તન લાવવા મંત્રણાઓ કરી આવ્યા છે. યુરોપિયન સંઘ – એ નાના નાના ૨૭ જેટલા દેશોનું બનેલું છે. આ સંઘે વર્ષોથી તેમના જહાજાે યુરોપ બહાર નહી ભંગાવાની પોલિસી બનાવી છે. એટલે કે, યુરોપના જહાજ – યુરોપમાં જ ભંગાવવા નીનિતી બનાવાઇ છે. આજ નિતીમા બદલાવ લાવવા અને ગુજરાતના અંલગ ખાતે યુરોપિયન જહાજ ભંગાવવા માટે મોકલવા બેનીવાલ યુરોપિયન સંઘ સાથે મંત્રણાઓ કરી આવ્યા છે. સૂત્રોનું માનીએ તો બેનીવાલની મહેનત રંગ લાવે તેવા આસાર છે. કંઇક અંશે યુરોપિયન કન્ટ્રીઝ હવે ભારત સહિત તમામ દેશો માટેની પોતાની જહાજ અંગેની નિતીમા ફેરફાર કર અને શરુઆત ભારતથી કરે તેવા સંકેત મળી રહ્યા છે. હાલ માં જ બેનીવાલે ભવિષ્યના હાઇડ્રોજન વેહીકલ્સની પરિકલ્પનાને આધીન હાઇડ્રોજનની આયાત નિકાસ માટે કયા પ્રકારના પોર્ટની જરુરિયાતો ભવિષ્યમાં ઉભી થશે તે માટે સર્વે કરવા ટેન્ડર પણ બહાર પાડ્યું છે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઇતિહાસમાં આ પણ એક નવી પરિકલ્પના છે. ટેકનોસેવી, ચપળ, સ્ફુર્તિલા અને સીએમ ભૂપેનદ્ર પટેલના મંત્રી મંડળના ઉંમરમાં સૌથી નાના મંત્રી હર્ષ સંઘવીના હાથમાંથી ગૃહ ખાતું સરી જશે અને તે જગદીશ વિશ્વકર્માને સોંપાશે એવી અફવાઓએ હમણાં હમણાં ખૂબ જાેર પકડ્યું હતું. ભાજપ નેતાને પૂર્વ સંગઠન મંત્રી પ્રદિપ સિંહ વાઘેલાના પત્રિકા કાંડમાં અંદર ખાને તપાસના આદેશ આપીને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિભાવેલી મિત્રતા તેમને ભારે પડશે એમ ચર્ચાઇ રહ્યું હતું. પરંતુ, ફાઇનલી હર્ષ ભાઇને હર્ષ થાય એવા સમાચાર એ છે કે,ગૃહ મંત્રીનો પોર્ટફોલિયો અને ગૃહ મંત્રી પોતે – બેય સુરક્ષિત છે. ટોચનું નેતૃત્વ ન તો તેમનો પોર્ટફોલિયો બદલવા માંગે છે ન તો તેમને દૂર કરવા માંગે છે. સ્વાભાવિક પણે જ સાચી કે ખોટી અફવાઓ સામાન્ય વ્યક્તિના માનસને ડિસ્ટર્બ કર્યા વગર રહેતી નથી. પરંતુ, અફવા શરું થઇ ત્યારથી આજ સુધી ગૃહ મંત્રીની બોડી લેન્ગવેજ, આત્મ વિશ્વાસ, જુસ્સા અને વ્યવહારમાં કોઇ ડિસ્ટર્બન્સ કેફેરફાર દેખાયો નથી. જેને સૌ કોઇ એમનું જમા પાસું માની રહ્યા છે. ગુજરાત સરકારમાં વૈદ્યાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં – કાયદાનું જાણનારા અધિકારીઓની મોટી અછત વર્તાઇ રહી છે. સરકારે કબૂલાત કરી છે કે, નિયમોના જાણકાર અને વિધેયકો-વટહુકમોનું ડ્રાફ્ટીંગ કરી શકે તેવા અધિકારીઓ ઝડપથી મળતા નથી તેથી કરાર આધારિત નોકરી આપવી પડે છે.
આ વિભાગમાં વયનિવૃત્તિ બાદ કેટલાક અધિકારીઓને કરાર આધારિત નિયુક્તિઓ આપવામાં આવી છે. આવી વર્ગ-૧ની પાંચ તેમજ વર્ગ-૨ની બે જગ્યાઓ છે. મહત્વનું એ છે કે વર્ગ-૧ના નાયબ સચિવની ઉંમર ૭૧ વર્ષની થઇ છે છતાં તેઓ હજી કરાર આધારિત ફરજ બજાવે છે. આ જ સંવર્ગના સંસદીય સચિવની ઉંમર ૬૭ વર્ષની છે. વૈદ્યાનિક સચિવની ઉંમર ૬૩ વર્ષ છે અને સંયુક્ત સચિવની ઉંમર ૬૬ વર્ષની છે. કરાર આધારિત નિમણૂક આપી હોય તેવા ચાર અધિકારીઓ ૬૨ વર્ષથી વધુ વયના છે જેઓ ગુજરાત સરકારમાં હજી પણ નોકરી કરી રહ્યાં છે. વિધાનસભામાં રજૂ કરવા વિધેયકો તેમજ વટહુકમનું ડ્રાફ્ટીંગ તેમજ તેની કાયદાકીય ચકાસણી માટે તેમને કરાર આધારિત નોકરીમાં રાખવામાં આવ્યા છે. આ વિભાગમાં કાયદાકીય નિયમો તેમજ નોટિફિકેશન, અધિનિયમો અને હુકમોનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવે છે. વિધાનસભાનું સત્ર બોલાવવાથી લઇને સત્ર સમાપ્તિ સુધીનું તમામ સંસદીય કામ આ વિભાગ કરે છે. નવી સરકારમાં નવા નવા ઉત્સવોના કારણે સ્વર્ણિમ સંકુલના ઘણાં ઓફિસરો સ્ટ્રેસ ફિલ કરી રહ્યાં છે. કામનું વધતું ભારણ તેમને ફિટનેસ એક્ટિવિટીથી બહાર લઇ જાય છે.
એક સમય હતો જ્યારે કર્મચારીઓ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરી શકતા હતા પરંતુ હવે શક્ય બનતું નથી. મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલની ઇમારતમાં છેલ્લા ઘણાં સમયથી વર્ક લોડ એટલો બઘો વધી રહ્યો છે કે, અધિકારીઓ ટેન્શનમાં સમય વ્યતિત કરી રહ્યાં છે. સવારે કે સાંજે વોક પર જવા મળતું નહીં હોવાથી કેટલાક અધિકારીઓ સ્વર્ણિમના ફ્લોરની લોબીમાં બપોરના લંચ પછી આંટાફેરા કરતા જાેવા મળે છે. એક અધિકારીને પૂછવામાં આવ્યું કે, તમે આવી રીતે કેમ આંટાફેરા કરી રહ્યાં છો, તો તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે, હું ડાયાબિટીશનો દર્દી છું. કામની ચિંતામાં હું ચાલવાની કસરત નહીં કરૂં તો સુગરનું પ્રમાણ વધી જાય તેમ છે તેથી જમ્યા પછી લોબીમાં વોક કરી રહ્યો છું. સાચા કર્મયોગીની પહેચાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. મોદીએ જ સચિવાલયના બ્લોકમાં ફિટનેસના સાધનો વસાવીને કર્મચારીને ફીટ રાખવાની સિસ્ટમ શરૂ કરી હતી. આજે આ ફિટનેસના સાધનો ઘૂળ ખાઇ રહ્યાં છે, કેમ કે અધિકારીઓને ત્યાં જવાનો સમય મળતો નથી. યોગા, વોકિંગ અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ અધિકારીઓ ભૂલી રહ્યાં છે.