પ્રધાનમંત્રી મોદી હંમેશા પોતાના ભાષણોમાં કહેતા આવ્યાં છેકે, મારા માટે મારો દેશ જ મારો પરિવાર છે. એમાંય વાત જ્યારે સેનાના જવાનોની આવે ત્યારે પીએમ મોદી સેનાના જવાનો પ્રત્યે વિશેષ લાગણી અને સન્માન ધરાવે છે. જવાનોના શૌર્ય અને બલિદાનને તેઓ સદા વંદન કરતા રહ્યાં છે. ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી.
પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સેનાના જવાનો સાથે મનાવી દિવાળી. પીએમ મોદીની સેનાના જવાનો સાથેની દિવાળીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. દિવાળી પર સતત ૧૦મી વખત સૈનિકોની વચ્ચે વડાપ્રધાન મોદીએ હિમાચલના લેપચામાં દિવાળીની ઉજવણી કરી. આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહી છે.
લેપચામાં સૈન્ય જવાનોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ વડાપ્રધાન કે મુખ્યપ્રધાન નહોતા, ત્યારે પણ દિવાળીનુ પર્વ સુરક્ષા દળની સાથે ઉજવતો હતો. દિવાળી ઉજવવા માટે સરહદી વિસ્તારમાં જતો હતો. મોદીએ સુરક્ષાદળના યોગદાનને બિરદાવતા કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણ અને દેશની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવામાં આપણા સુરક્ષા દળનુ યોગદાન મહત્વનું છે. જ્યા સુધી આપણા બહાદુર સૈન્ય જવાન સરહદે હિમાલયની માફક અડગ ઉભા છે ત્યાં સુધી દેશની સરહદો અને દેશ સંપૂર્ણ સુરક્ષિત છે.
૨૦૧૬ અને ૨૦૨૩ની દિવાળી વચ્ચે ભારતની સંરક્ષણ નિકાસમાં આઠગણો વધારો થયો હોવાનું જણાવી વડાપ્રધાને કહ્યું કે, ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન હવે રૂપિયા ૧ લાખ કરોડે પહોંચ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, તાજેતરના કેટલાક વર્ષોમાં, પાંચસોથી વધુ મહિલા અધિકારીઓને આર્મીમાં કાયમી કમિશન આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેપચા બોર્ડર પર દિવાળીની ઉજવણી કરી હતી. આ હિમાચલ પ્રદેશની દૂરસ્થ પોસ્ટ છે. ભારતીય સેના અને સુરક્ષા દળો સરહદ પર સતર્ક છે. જવાનોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દર વર્ષે સરહદ પર જવાનો સાથે દિવાળી ઉજવે છે. આ સમય દરમિયાન તે સૈનિકોને મીઠાઈ ખવડાવે છે અને સૈનિક દળોને પ્રોત્સાહિત કરે છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી ઉજવવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા.”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના શુભ દિવસે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. જેમા તેમણે શુભેચ્છા આપતા કહ્યું છે કે, ‘દેશના તમામ પરિવારજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’ પીએમ મોદીએ પોતાની શુભેચ્છાઓમાં વધુમાં લખ્યુ કે, Wishing everyone a Happy Diwali! May this special festival bring joy, prosperity and wonderful health to everyone’s lives.’
નોંધનીય છે કે, પીએમ મોદીએ આ પહેલા પણ ભારતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. તેમણે વર્ષ ૨૦૧૪માં સિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ ૨૦૧૫માં પંજાબના અમૃતસરમાં, વર્ષ ૨૦૧૬માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ ૨૦૧૭માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આનાથી આગળ વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ ૨૦૧૯માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.