Gold
વૈશ્વિક સ્તરે ગોલ્ડના ઊંચા ભાવને પરિણામે વર્તમાન મહિનાની ભારતની સોનાની આયાત વાર્ષિક ધોરણે ૮૫ ટકા જેટલી નીચી રહ્યાનું પ્રાપ્ત પ્રારંભિક ડેટા પરથી જણાય છે. ફેબ્રુઆરીની આયાત વીસ વર્ષના તળિયે જોવા મળી રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૪માં ૧૦૩ ટનની સામે વર્તમાન વર્ષના આ મહિનામાં સોનાની આયાત ૧૫ ટન જેટલી રહ્યાનો અંદાજ છે, જે છેલ્લા બે દાયકામાં કોઈ એક મહિનાની સૌથી નીચી આયાત છે.
વિશ્વમાં સોનાના બીજા મોટા આયાતકાર દેશ ભારતમાં ગોલ્ડની નીચી આયાતથી વેપાર ખાધ અંકૂશમાં રાખવામાં મદદ મળશે એટલું જ નહીં ડોલર સામે રૂપિયાને વધુ નબળો પડતો અટકી શકશે એવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
ભૌગોલિકરાજકીય અશાંતિને કારણે ૨૦૨૪માં મોટાભાગની વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની નોંધપાત્ર ખરીદી રહી હતી જેને કારણે સોનાના ભાવમાં વિક્રમી ઉછાળો જોવા મળ્યો હતો. વર્તમાન સપ્તાહમાં સોનાના ઔંસ દીઠ ભાવ ઉછળી ૨૯૫૬ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. ઊંચા ભાવને કારણે ભારતના ટ્રેડરો તથા જ્વેલર્સ દ્વારા ખરીદી ધીમી પડી છે.
ભાવ ઊંચા જળવાઈ રહેશે તો ભારત દ્વારા ખરીદીમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.