Gold
સોનાના ઊંચા ભાવને કારણે લગ્નસરાની મોસમમાં પણ એકતરફ ઘરાકી મંદ જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ બેન્કો પાસેથી લોન્સ પર ગોલ્ડ લેવા માટે જવેલરોએ માર્જિન કોલ્સ ભરવા પડી રહ્યા છે જેને પરિણામે તેમણે લિક્વિડિટીની ખેંચ અનુભવવાનો વારો આવ્યો છે. વ ર્તમાન વર્ષના જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનાના ભાવમાં ૧૬ ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
લિક્વિડિટી તથા ઈન્વેન્ટરી જાળવા રાખવા જ્વેલરી ઉદ્યોગના વીસથી બાવીસ ટકા જ્વેલર્સ બેન્કોની ગોલ્ડ મેટલ લોન્સ પર આધાર રાખે છે.
ગોલ્ડ લોનમાં જ્વેલર્સ બેન્કો પાસેથી ઉછીનુ સોનુ લઈ તેમાંથી જ્વેલરી બનાવે છે અને વેચાણ કર્યા બાદ તેમાંથી બેન્કોને નાણાં અથવા સોનુ પરત કરે છે.
બેન્કો સામાન્ય રીતે ૧૮૦ દિવસ માટે ગોલ્ડ મેટલ લોન પૂરી પાડે છે. સોનાની ખરીદી કરવાને બદલે જ્વેલર્સ ઉધારીમાં સોનુ (લગડીના રૂપમાં) મેળવીને તેની જ્વેલરી બનાવે છે અને વેચાણ મારફત કમાણી કરે છે.
દેશમાં ગોલ્ડ મેટલ લોન માર્કેટનું એકંદર કદ ૧૨૦ ટન જેટલુ છે. તાજેતરમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે જેને પરિણામે જ્વેલરીના વેચાણ પર અસર પડી છે. વેચાણમાં નરમાઈને કારણે બેન્કો જ્વેલર્સ પાસેથી માર્જિન કોલ્સ માગી રહી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
જો કે આવનારી તહેવારોની મોસમ દરમિયાન ઝવેરાતની માગમાં વધારો થવાની ધારણાં રાખવામાં આવે છે. માર્જિન કોલ્સ ઉપરાંત લીઝના દરમાં પણ વધારો થતા જ્વેલરોને બમણો માર પડી રહ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઊંચા ભાવ અને ડોલર સામે રૂપિયાની નબળાઈએ પણ ગોલ્ડની આયાતને મોંઘી બનાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સોનાના ઊંચા ભાવને પરિણામે સોના સામે લોન લેવાની માત્રામાં પણ તાજેતરમાં વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં ડેટા પ્રમાણે બેન્કોના ગોલ્ડ લોન પોર્ટફોલિઓમાં વાર્ષિક ધોરણે ૭૬ ટકા વધારો થયાનું જોવા મળ્યું હતું. ૨૦૨૪ના જાન્યુઆરીમાં ગોલ્ડ લોન પોર્ટફોલિઓમાં વાર્ષિક ધોરણે ૧૭.૪૦ ટકા વધારો થયો હતો.