GDP Data
India GDP: ગોલ્ડમેન સૅક્સે જીડીપીના અંદાજમાં ઘટાડો કર્યો છે જ્યારે આરબીઆઈ અનુસાર 2024-25માં અર્થતંત્ર 7.2 ટકાના દરે વૃદ્ધિ પામશે.
India GDP Data 2024: ગોલ્ડમેન સૅક્સ ગ્રુપે વર્ષ 2024 અને 2025 માટે ભારતના જીડીપી અંદાજમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના ખર્ચમાં ઘટાડાને કારણે બેંકે આ નિર્ણય લીધો છે. ગોલ્ડમૅન સૅક્સે 2024માં જીડીપી વૃદ્ધિના અનુમાનમાં 20 બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને 6.7 ટકા કર્યો છે.
ગોલ્ડમૅન સૅક્સે આગામી કૅલેન્ડર વર્ષ 2025 માટે તેના GDP અનુમાનમાં ઘટાડો કર્યો છે અને બૅન્કનું માનવું છે કે ભારતીય અર્થતંત્ર આવતા વર્ષે 6.4 ટકાના દરે વૃદ્ધિ નોંધાવશે. બેંકના અર્થશાસ્ત્રી શાંતનુ સેનગુપ્તાએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લાંબી લોકસભા ચૂંટણી દરમિયાન સરકારી ખર્ચમાં વાર્ષિક ધોરણે 35 ટકાના ઘટાડાને કારણે ચાલુ વર્ષ માટે GDP અનુમાનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવતા વર્ષે વિકાસ દર પર અસર પડશે કારણ કે સરકારના બજેટમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકા સુધી લાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
બેંકના અર્થશાસ્ત્રીઓએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, અસુરક્ષિત ધિરાણ પર ભારતીય રિઝર્વ બેંકની કડકતાને કારણે સ્થાનિક લોન લેવાની ગતિ ધીમી પડશે, જેના કારણે વપરાશમાં ઘટાડો થઈ શકે છે અને તેની અસર અર્થવ્યવસ્થા પર જોવા મળી શકે છે. જોકે, ગોલ્ડમૅન સૅક્સે ડિસેમ્બર 2024થી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા પૉલિસી રેટમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી છે, જે આવતા વર્ષે જીડીપી વૃદ્ધિ દરમાં થતા ઘટાડાને અમુક અંશે ટાળશે.
ગોલ્ડમેન સૅક્સે 2024માં જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 6.7 ટકા કર્યો છે. જ્યારે આરબીઆઈએ 8 ઓગસ્ટ, 2024ના રોજ નાણાકીય નીતિ જાહેર કરતી વખતે નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 71. ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે બજેટ પહેલા રજૂ કરાયેલા 2023-24ના આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.5-7 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.