T20 World Cup : T20 વર્લ્ડ કપ જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે રમાશે, જેમાં આ વખતે કુલ 20 ટીમો ભાગ લેશે. આ મેગા ટૂર્નામેન્ટ પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે જે લાંબા સમયથી ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વિશે છે. વારંવારની ઇજાઓને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ઘણી મોટી શ્રેણી અને ટૂર્નામેન્ટમાં રમી ન શકનાર આર્ચર ટી-20 વર્લ્ડ કપ પહેલા મેદાનમાં પરત ફરતો જોવા મળી શકે છે. ઈંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમના મેનેજર રોબ કીએ આ અંગે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે.
પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝથી મેદાનમાં વાપસી કરી શકે છે.
જોફ્રા આર્ચર તાજેતરમાં ભારતમાં હતો જ્યાં તે સિઝનની શરૂઆત પહેલા સસેક્સ માટે ચાલી રહેલી તૈયારીઓનો એક ભાગ હતો. હાલમાં જોફ્રા આર્ચર બાર્બાડોસમાં છે અને ક્લબ લેવલ પર રમી રહ્યો છે, જેથી તે પોતાની ફિટનેસ ટેસ્ટ કરી શકે. ઈએસપીએન ક્રિકઈન્ફો પર આપેલા પોતાના નિવેદનમાં ઈંગ્લેન્ડના મેન્સ ક્રિકેટ મેનેજર રોબ કીએ કહ્યું કે જોફ્રા આવતા ઉનાળામાં ટેસ્ટ ક્રિકેટ નહીં રમશે પરંતુ તે જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે ચોક્કસપણે તૈયાર હશે. જોફ્રા પાકિસ્તાન સામેની ટી-20 વર્લ્ડ કપ સિરીઝમાં મેદાનમાં વાપસી કરી શકે છે.
અમે આર્ચર સાથે કોઈ ઉતાવળ કરવા માંગતા નથી.
રોબ કીએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે અમે જોફ્રા આર્ચરની વાપસીની ઉતાવળ કરવા માંગતા નથી, જેથી જ્યારે તે પરત ફરે ત્યારે તે લાંબો સમય રમી શકે અને એક કે બે શ્રેણી બાદ ફરીથી બહાર ન થાય. અમારી યોજના આ ઉનાળામાં જોફ્રાને માત્ર મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રમવાની છે અને જ્યારે અમે શિયાળામાં પહોંચીશું ત્યારે જ અમે ટેસ્ટ ક્રિકેટમાં તેની વાપસી અંગે વિચારણા કરીશું. તમને જણાવી દઈએ કે જોફ્રા છેલ્લે ગત વર્ષે માર્ચમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં ઈંગ્લેન્ડની ટીમ માટે રમ્યા હતા, ત્યારબાદ તે મેદાન પર પરત ફરી શક્યા નથી.