ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને રોડ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી. એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટમાં કંટેમ્પ પિટિશન દાખલ કરવામાં આવી હતી.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રખડતા ઢોર અને ખરાબ રસ્તા માટે હાઈકોર્ટે અનેકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર માટે નિર્દેશો બહાર પાડ્યા હતા. જાેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા કાગળ પર જ કામ કરાયું છે, ગ્રાઉન્ટ પર કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી. કેટલીક બાબતો હજુ લાગુ નથી થઈ એ થવી જાેઈએઃ HCઆ કંટેમ્પ પિટિશન પર આજે ન્યાયાધીશ દિવ્યેશ જાેશી અને આશુતોષ શાસ્ત્રીની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કોર્ટે કેટલાક મામલાઓમાં તંત્રની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તો અન્ય કેટલીક બાબતોને લઈને હાઈકોર્ટે કહ્યું હતું કે, કેટલીક બાબતો હજુ લાગુ નથી થઈ એ થવી જાેઈએ.
આ તકે રાજ્ય સરકારે નવી કેટલ પોલિસી અંગે વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલિસી અને ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં તફાવત છે. તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી પણ જમીની હકીકત અલગ જ છે. ૪ વર્ષ બાદ પણ જમીની હકીકત બદલાઈ નથી. જાહેર સ્થળો પર રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, કોર્ટને ઓથોરિટીનને ખખડાવવામાં નહીં, પરંતુ જાહેર હિતમાં રસ છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે, મણિનગર, નેહરુનગર, ઈસનપુરમાં રખડતા ઢોરની સ્થિતિ નિયંત્રણ બહાર છે. નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિ પણ જુઓ. સુનાવણી દરમિયાન નડિયાદ નગરપાલિકાની હદમાં પણ રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાયો હતો. જેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અરજદાર સંતુષ્ટ ન હોય તો સૂચનો આપી શકે છે. તો હાઈકોર્ટે કહ્યું હતું કે, અરજદાર પાસે સૂચનો હોય તો આપે નહીંતર અમે અમારી રીતે ઓર્ડર પાસ કરીશું.