આ વખતે ચૂંટણીપંચે ચૂંટણી દરમિયાન ખાસ કરીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોતાના ઘરે રાજકીય પક્ષોના ઝંડા લગાવીને ખુલ્લેઆમ સમર્થન વ્યક્ત કરનારા સમર્થકો સામે કડક કાર્યવાહી કરી શકે છે. હવે આવા લોકો ચૂંટણી પંચની પરવાનગી વગર પોતાના ઘર કે કોઈ બિલ્ડિંગ પર કોઈપણ રાજકીય પક્ષનો ઝંડો લગાવી શકશે નહીં.
હવે રાજકીય પક્ષોને ખુલ્લેઆમ સમર્થન કરવા માગતા લોકોએ જિલ્લા ચૂંટણી વિભાગની પરવાનગી લેવી પડશે. જાે કોઈ પરવાનગી વગર પોતાના ઘરે કોઈપણ પાર્ટીના ઝંડા લટકાવશે તો ચૂંટણી વિભાગ તેમની સામે કડક કાર્યવાહી કરશે.
રાજસ્થાનની વાત કરીએ તો બિકાનેરમાં આ વખતે સોશિયલ મીડિયા પર ભલે વધારે પડતો પ્રચાર થઇ રહ્યો હોય પણ ન તો અહીંના કોઈ વિસ્તારોમાં પાર્ટીઓના ઝંડા અને બેનરો દેખાઈ રહ્યા નથી. અગાઉની ચૂંટણીઓમાં ઘરો પર પાર્ટીના ઝંડા જાેવા મળતા હતા. ઘણી વખત ચૂંટણીનો માહોલ ઉભો કરવા માટે ઝંડા લગાવવામાં આવતા હતા, પરંતુ આ વખતે તેવો માહોલ સર્જાય તેમ લાગતું નથી. જે વિધાનસભા મતવિસ્તારોમાં પક્ષના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે ત્યાં પણ લોકો હવે તેમના પ્રતિષ્ઠાનો અને મકાન પર પાર્ટીનો ઝંડો લગાવતા ડરી રહ્યા છે.
ચૂંટણી પંચે ખાનગી ઈમારત કે મકાન પર રાજકીય પક્ષનો ધ્વજ ફરકાવતા પહેલા બિલ્ડિંગ માલિકની લેખિત પરવાનગી લેવાની શરત પણ મૂકી છે. જેમાં માલિકની પરવાનગી બાદ બેનર અને ઝંડાની કિંમત સહિતની સંપૂર્ણ વિગતો ત્રણ દિવસમાં રિટર્નિંગ ઓફિસરને આપવાની રહેશે. રાજકીય પક્ષોના ઝંડા ઓછા લગાવવાનું એક કારણ સોશિયલ મીડિયા પણ છે. લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ પાર્ટીને સમર્થન બતાવવા માટે કરી લે છે.