ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેની એપિ સેન્ટર બની ગયું છે. બે દિવસ અગાઉ જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયાકિનારેથી ૮૦૦ કરોડની કિંમતનું ૮૦ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ વખતે ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ કેનેડાથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમના જાેઈન્ટ ઓપરેશનમાં લાખોની કિંમતનું કોકેઈન તથા તેનું મટીરિયલ મળી આવ્યું છે. હવે કેનેડાથી આવેલા આ કોકેઈનની પાછળ ખાલિસ્તાની કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં જાેડાઈ છે.
ગુજરાતમાં આ વખતે ડ્રગ્સ ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી પણ જબરદસ્ત હતી. ડ્રગ્સનું લિક્વિડ ફોર્મ બનાવીને પુસ્તકના પેજ ઉપર પલાળીને સૂકવી દેવામાં આવ્યું હતું, જેના કારણે કોઈને પુસ્તક પર શંકા ન જાય પરંતુ અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમને મળેલી એક બાતમીને આધારે આખું રેકેટ ઝડપાયું છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં ૪૬ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.આ સમગ્ર કૌભાંડમાં ડ્રગ્સને એક કુરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરાતું હતું. આ ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમાં સપ્લાય કરવામા આવતું હતું.