સુરતના કીમ-કોસંબા રેલ્વે ટ્રેક નજીક અકસ્માતે મોતની ઘટનામાં વધારો થયો છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ટ્રેનની અડફેટે ૨ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. કીમ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજના નિર્માણની કામગીરી ચાલી રહી છે. જેને લઈને રાહદારીઓ રેલ્વે ક્રોસિંગનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, કીમ-કોસંબા રેલવે ટ્રેક વચ્ચે અવારનવાર ટ્રેન અડફેટે મોત થતા રહે છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ટ્રેનની અડફેટે બે લોકોના મોતથી ચકચાર મચી ગયો છે. કીમ રેલ્વે ટ્રેક નજીક પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનની એડફેટે કીમ પરભુનગરના વ્યક્તિનું મોત થયું છે. પરભુનગરના યુવકે ટ્રેન સામે પડતું મુક્યાની આશંકા છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
જ્યારે આજે સવારે જ વંદે ભારત ટ્રેનની અડફેટે અજાણી વ્યક્તિનું પણ મોત થયું છે. આજે સવારે એક વ્યક્તિને વંદે ભારત ટ્રેને એડફેટે લીધી હતી. આ અંગેની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટન સ્થળે દોડી આવી હતી. જે બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા આ મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, નડિયાદ રેલવે સ્ટેશન ખાતે પણ ટ્રેનની એડફેટે એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. શનિવારે સાંજે નડિયાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-૧ના છેડા પાસેથી પસાર થતાં ૭૦ વર્ષીય વૃદ્ધને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેને અડફેટે લીધા હતા, જેમાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ તેમના મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.