નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ સીંગતેલનાં ભાવમાં પણ ઉછાળો આવી રહ્યો છે. અમદાવાદનાં તેલીબાયા માર્કેટમાં એક અઠવાડિયામાં સીંગતેલનાં ભાવમાં રૂા. ૩૦ નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે સીંગતેલનાં ભાવમાં રૂા. ૩૦ નો વધારો થતા હવે સીંગતેલનો ડબાનાં રૂા. ૩૨૦૦ થયા હતા. તેલનાં ભાવ વધતા મધ્યમ વર્ગને વધુ એક માર પડ્યો છે.
આ બાબતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ સીડ્સ એસોસિયેશનનાં પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવકમાં હાલ ઘટાડો નોંધાયો છે. જેથી ૯૫ ટકા મિલો બંધ છે. જ્યારે ૫ ટકા મિલો જ ચાલુ છે. ત્યારે સામાન્ય રીતે બે મહિનાથી ઉત્તર પ્રદેશથી આવતી મગફળી પર આધાર રાખવો પડતો હતો. પરંતું ચાલુ વર્ષે ત્યાં ચોમાસુ વહેલું બેસી જતા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેનાં કારણે બે મહિનામાં ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવક ઘટતા હાલ માલની અછત સર્જાઈ છે. હાલ તો નવી મગફળીની આવક ચાલુ થવા પામી છે. ત્યારે રાજકોટ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ હતી. પરંતું આ મગફળીનો વધુ પડતો ઉપયોગ કરીયાણા તેમજ સીંગદાણામાં થાય છે. જેથી પીલાણ માટે ચાલે એવી મગફળી હાલમાં આવતી નથી. અને વરસાદ થવાથી પીલાણ લાયક મગફળીની અછત સર્જાઈ છે. ત્યારે હજુ આગામી દિવસોમાં સીંગતેલનાં ભાવમાં વધારો થઈ શકે છે.
હાલમાં સીંગતેલનાં ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. તહેવારો નજીકમાં આવી રહ્યા છે તેમ તેમ સીંગતેલનાં ભાવ આસમાને જઈ રહ્યા છે. ત્યારે જે લોકો પાસે મગફળી છે એ લોકો જરૂર પૂરતો જ મગફળીનો જથ્થો રિલીઝ કરી રહ્યા છે. જેથી મિલોમાં પીલાણ માટે મગફળી ઓછી આવી રહી છે. હજુ પણ સીંગતેલનાં ભાવમાં તેજી આવવાની શક્યતા છે. આ બાબતે વેપારી ગજાનંદ ગુપ્તા એ જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા ખૂબ વધારો થયો હતો. ત્યારે હમણાં વરસાદ પડ્યો છે તો ભાવ ઘટવાની શક્યતાઓ છે. હજુ કંઈ કહી શકાય નહી હજુ પણ વધારો થાય અથવા ઘટાડો પણ થઈ શકે છે. ત્યારે હાલ સીંગતેલમાં મંદીનો માહોલ છે. તેમજ લોકો સીંગતેલનો ડબ્બો ખરીદવાનું ટાળી રહ્યા છે. હાલ ગ્રાહકો કપાસીયા તેલ ખરીદી રહ્યા છે.
આ બાબતે ગ્રાહક હિમાંશુ એ.શાહે ભાવ વધારા બાબતે જણાવ્યું હતું કે, અત્યારે હાલ ભાવ વધેલા છે. જેથી હાલ અમે કપાસીયા તેલ ખરીદી રહ્યા છીએ. જાે ભાવ ઘટશે તો સીંગતેલ ખરીદશું.